રાજસ્થાનના વેપારીઓએ અમદાવાદના વેપારી પાસેથી ત્રણ કરોડનું સોનું અને ચાંદી ખરીદી પૈસા બારોબાર વાપરી નાંખ્યા
અમદાવાદમાં વેપારીને સોનાચાંદીનો માલ ઉધારમાં વેચવો ભારે પડ્યો છે. આરોપીઓએ વેપારી પાસેથી 1.55 કરોડની 326 કિલો ચાંદી તથા 1.45 કરોડનું 2541 ગ્રામ સોનું કાવતરૂ રચીને બજાર કરતાં અડધા ભાવે રાજસ્થાનમાં વેચી માર્યું હતું. આ સોના અને ચાંદીના પૈસા અમદાવાદના વેપારીને પરત નહીં આપી છેતરપિંડી આચરી હતી. વેપારીએ પૈસા માંગ્યા તો અમે આવું અનેક વેપારીઓ સાથે કર્યું છે તમારાથી થાય તે કરી લો એવું કહીને પૈસા આપવાનો ઈનકાર કરી દીધો હતો. આ બાબતે વેપારીએ ક્રાઈમ બ્રાંચમાં લેખિતમાં અરજી કરી હતી ત્યારબાદ ક્રાઈમ બ્રાંચે ફરિયાદ નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદમાં માણેકચોક ખાતે સોના અને ચાંદીનો વેપાર કરતાં ચિંતન ઠક્કરે ક્રાઈમ બ્રાંચમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મુળ રાજસ્થાનના હિતેષ રાવ, પુષ્પેન્દ્રસિંહ રાવ અને કાળીદાસ નામના આરોપીઓને સવા બે વર્ષથી ઓળખે છે. તેમની મુલાકાત રાજસ્થાનમાં થઈ હતી. બાદમાં ચિંતનભાઈને જાણવા મળ્યું હતું કે, તેઓ તેમની સાથે વ્યાપાર કરવા માંગે છે. જેથી ચિંતનભાઈએ તેમને એક સપ્તાહની ક્રેડિટ પર માલ આપવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં આરોપીઓએ માલ લઈને રેગ્યુલર પેમેન્ટ કરી દીધું હતું. આમ તેમણે ચિંતનભાઈ સાથે વિશ્વાસ કેળવીને હોલસેલ ભાવે માલ ખરીદી રેગ્યુલર પેમેન્ટ કરી દેતા હતાં.
ગત ઓગસ્ટ મહિનામાં હિતેષ અને પુષ્પેન્દ્ર સહિત કાળીદાસ અમદાવાદ આવ્યા હતાં અને ચિંતન પાસેથી કુલ ત્રણ કરોડથી વધુની કિંમતની ચાંદી અને સોનાનો માલ ખરીદ્યો હતો. આ માલની એક રશીદ બનાવવામાં આવી હતી જેની પર માલ ખરીદનારની સહી લેવાઈ હતી. માલ ખરીદ્યા બાદ આ ત્રણે જણાએ ચિંતનને પૈસા નહોતા આપ્યા. જ્યારે ચિંતને પૈસા માંગ્યા તો આરોપીઓ અનેક બહાના બનાવતાં હતાં. તેમણે આ માલ કાળીદાસને વેચવા માટે આપ્યો છે એમ જણાવ્યું હતું. જેથી ચિંતને કાળીદાસનો સંપર્ક કરતાં તેણે જણાવ્યું હતું કે, અમે તમારો માલ બજાર કરતાં અડધી કિંમતે વેચી માર્યો છે અને પૈસા અમે ત્રણે જણાએ વાપરી નાંખ્યા છે. તમે આવા પહેલા નથી અમે ઘણીવાર આ પ્રકારના કૃત્યો કર્યાં છે. તમારાથી થાય તે કરી લેજો અમારૂ કોઈ કશું જ બગાડી શકશે નહીં. ત્યાર બાદ ફરિયાદી ચિંતને ક્રાઈમ બ્રાંચમાં છેતરપિંડીની ફરિયાદ કરી હતી.
122