સામાજિક પુનઃઉત્થાન, માનવ કલ્યાણ અને વ્યક્તિત્વ વિકાસ અર્થે ડૉ. બાબા સાહેબ આંબેડકરના પ્રેરણાદાયી વિચારો

ઘણી વખત આપણે કેટલાક મહાન વ્યક્તિત્વોને સમગ્રતયાથી મૂલવવાને બદલે કોઈ એક ચોક્કસ સમુદાય કે વિચારધારા પૂરતા સીમિત કરી દેતાં હોઈએ છીએ. જેના પરિણામ સ્વરૂપે અજાણતા જ આપણે આપણી જાતને તે મહાન વ્યક્તિત્વને જાણવા, સમજવા, અને અનુસરવાની પૂરતી તકોથી વંચિત રાખીએ છીએ. આવું જ એક મહાન વ્યક્તિત્વ એટલે ડૉ. બાબા સાહેબ આંબેડકર. બાબા સાહેબની વાત નીકળતાની સાથે જ મહદઅંશે આપણે તેમને દલિતો અને વંચિતોના મસીહા કે બંધારણના ઘડવૈયા પુરતા સીમિત કરી દેતા હોઈએ છીએ. આપણે એ વાતને બિલકુલ ન અવગણી શકીએ કે બાબા સાહેબે દલિતો અને વંચિતોના પુનઃ ઉત્થાન માટે સવિશેષ પ્રયત્ન કર્યા હતા. પરંતુ જો આપણે તેમના જીવન અને કાર્યોનો વિગતે અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે તેમણે માત્ર દલિતો અને વંચિતોના વિકાસની જ વાત નથી કરી. ખરેખર તો બાબા સાહેબે સમગ્ર માનવજાતના ઉત્કર્ષની વાત કરી છે. ત્યારે આજે બાબા સાહેબના વિચારોને સામાજિક પુનઃઉત્થાન, માનવ કલ્યાણ અને વ્યક્તિત્વ વિકાસ સંદર્ભે સમજવાનો પ્રયત્ન કરીએ.

આજે પણ સમાજના દરેક વર્ગના પુનઃઉત્થાન માટે ખુબ જ આવશ્યક સુચન જે તે સમયે બાબા સાહેબે કરેલ, “શિક્ષિત બનો, સંગઠિત રહો અને સંઘર્ષ કરો”. આ વાતને આપણે કોઈ એક સમુદાય પુરતી સીમિત ન સમજતા અન્યાયની સ્થિતિમાં ન્યાય માટે અને દરેક સમાજના સર્વાંગી વિકાસ માટે ખુબ જ ઉપયોગી અને અનિવાર્ય છે. ગરીબીના શિક્ષણ સાથેના સંબંધને સમજાવતા બાબા સાહેબે જણાવ્યું કે, “આ દુનિયામાં ગરીબ એ જ છે જે શિક્ષિત નથી. એટલા માટે અડધી રોટલી ખાઓ પરંતુ પોતાના બાળકને જરૂર ભણાવો”.

વ્યક્તિત્વ વિકાસને પ્રાધાન્ય આપતા બાબા સાહેબ જણાવે છે કે, “પાણીનું ટીપું જયારે સાગરમાં મળે છે ત્યારે પોતાની ઓળખ ભૂલી જાય છે. જયારે સમાજમાં રહેલો વ્યક્તિ ક્યારેય પણ પોતાની ઓળખ નથી ભૂલતો. મનુષ્યનું જીવન સ્વતંત્ર છે. જે માત્ર સમાજના વિકાસ માટે નથી મળ્યું પરંતુ પોતાના વ્યક્તિત્વ વિકાસ માટે પણ મળ્યું છે.” વધુ તેઓ જણાવે છે કે, “આપણે જો આપણા પગ ઉપર ઉભા રહેવું હોય તો આપણા અધિકાર માટે લડવું પડશે, માટે પોતાની તાકાત અને બળને ઓળખો. શક્તિ અને પ્રતિષ્ઠા સંઘર્ષથી મળે છે.” તેઓ માનવ કલ્યાણને સાચા અર્થમાં સમજાવતા જણાવે છે કે, “બુદ્ધિનો વિકાસ માનવના અસ્તિત્વનું અંતિમ લક્ષ્ય હોવું જોઈએ.” માનવીના વિચારોને વેગ આપવાની વાત કરતા તેઓ જણાવે છે કે, “મનુષ્યનો જીવ નશ્વર છે, એવી રીતે વિચારો પણ નશ્વર છે. એક વિચારને પ્રચાર અને પ્રસારની જરૂરત પડે છે, જેવી રીતે એક છોડને પાણીની, નહીતર બંને સુકાઈને મરી જશે.” વ્યક્તિગત મહાનતાને સમજાવતા તેઓ કહે છે કે, “એક મહાન માણસ એક પ્રતિષ્ઠિત માણસથી એટલો અલગ હોય છે જે સમાજનો નોકર બનવા પણ તૈયાર હોય છે.” વ્યક્તિ સ્વતંત્ર્ય અંગે બાબા સાહેબ જણાવે છે કે, “જો તમે મનથી સ્વતંત્ર છો તો તમે સાચી રીતે સ્વતંત્ર છો.” તેઓ કહે છે કે, “જે નમી શકે છે તે નમાવી પણ શકે છે.”

ધર્મ કેવો હોવો જોઈએ તે જણાવતા તેઓ કહે છે કે, “મને એવો ધર્મ ગમે છે જે સ્વતંત્રતા, સમાનતા અને ભાઈચારો શીખવે.” વધુમાં તેઓ કહે છે કે, “જો આપણે આધુનિક વિકસિત ભારત જોઈએ છે તો દરેક ધર્મોએ એક હોવું જોઈએ.” તેઓ માનતા હતા કે, “ધર્મ માણસ માટે છે, નહી કે માણસ ધર્મ માટે.” સ્ત્રી-પુરુષ સમાનતાની હિમાયત કરતા બાબા સાહેબ જણાવે છે કે “શિક્ષણ મહિલાઓ માટે એટલું જ જરૂરી છે જેટલું પુરુષો માટે.” વધુમાં તેઓ કહે છે કે, “હું એક સમુદાયની પ્રગતિને મહિલાઓએ મેળવેલી સફળતાને આધારે માપું છું.” સામાજિક બદલાવની દિશામાં હિમાયત કરતા બાબા સાહેબ જણાવે છે કે, “ આપણને જે સ્વતંત્રતા મળી છે એના માટે આપણે શું કરી રહ્યા છીએ? આ સ્વતંત્રતા આપણને આપણી સામાજિક વ્યવસ્થાને સુધારવા માટે મળી છે. અસમાનતા, ભેદભાવ અને અન્ય વસ્તુઓથી સામાજિક વ્યવસ્થા બંધાયેલી છે, જે આપણા મૌલિક અધિકારોની સાથે સંઘર્ષ કરે છે.” “ સ્વતંત્રતાનો અર્થ સાહસ થાય છે. આ સાહસ દ્વારા સંગઠન એકરૂપ થાય છે.”

ન્યાય માટેની હિમાયત કરતા બાબા સાહેબ જણાવે છે કે, “અન્યાયની સામે લડત લડતા તમારૂં મૃત્યુ થઇ જશે તો, તમારી આવનાર પેઢી એનો બદલો જરૂર લેશે. જો અન્યાય સહન કરતા તમારૂં મૃત્યુ થશે તો તમારી આવનારી પેઢી ગુલામ બનીને રહેશે.” ભારતના બંધારણ માટે તેઓ માને છે કે, “બંધારણ માત્ર વકીલોનું દસ્તાવેજ નથી, પરંતુ જીવન જીવવાનું માધ્યમ છે.” વધુમાં તેઓ જણાવે છે કે, “સંવિધાન ભલે ગમે તેટલું સારૂ હોય પરંતુ એ ખરાબ પણ સાબિત થઇ શકે છે, જો એને ચલાવનારા લોકો ખરાબ હોય. એક સંવિધાન ગમે તેટલું ખરાબ હોય પરંતુ સારૂં સાબિત થઇ શકે છે, જો એનું પાલન કરાવનારા સારા હોય.”

આજકાલ રાષ્ટ્રવાદના નામે આપણે ત્યાં બહુ વાદ-વિવાદો થઇ રહ્યા છે ત્યારે આ મુદ્દે બાબા સાહેબનું માનવું હતું કે, “રાષ્ટ્રવાદ ત્યારે ઉંચા પદે હોઈ શકે છે, જયારે લોકોની વચ્ચે જાતિ, રંગ કે પ્રદેશનું અંતર ભુલાવીને સામાજિક ભાઈચારાને સર્વોચ્ચ સ્થાન આપવામાં આવે.” લોકસભાની ચુંટણીઓ હવે આંગણે આવીને ઉભી છે ત્યારે બાબા સાહેબ રાજકારણમાં ભાગ ન લો તો તેનું શું પરિણામ આવી શકે તે અંગે જણાવે છે કે, “રાજનીતિમાં ભાગ ન લેવો એ સૌથી મોટો ગુનો ત્યારે બને છે, જયારે અયોગ્ય વ્યક્તિ તમારા પર રાજ કરવા લાગે છે.”

અંતમાં, બાબા સાહેબ જણાવે છે કે, “સારૂં દેખાવવાને બદલે, સારા બનવા જીવવું જોઈએ.” અને આ વાતને જીવનમાં સાર્થક કરવા માટે બાબા સાહેબની એ વાત આપણને સૌને પ્રેરણા આપે છે કે, “મહાન પ્રયત્નોથી વધારે દુનિયામાં કઈ અમુલ્ય નથી.”

Social