तू इधर उधर की न बात कर ये बता की काफिला क्यों लुटा, मुझे रहजनो से गिला नहीं तेरी रहबरी का सवाल है

વર્તમાન સમયમાં આ શેર, શાસક પક્ષ માટે શત, પ્રતિશત લાગુ પડે છે. છેલ્લા દસ વર્ષોમાં આ શેરની પ્રાસંગિતામાં સતત ઇજાફો થઇ રહ્યું છે. યેનકેન પ્રકારે,સત્તા હાંસલ કર્યા પછી સરકારની તમામ કોશિશ રહી છે કે લોકોનું ધ્યાન જવલંત સમસ્યાઓ તરફ ભૂલે ચુકે પણ ન જવું જોઈએ આ પ્રકારની સમસ્યાઓમાં બેરોજગારી, મોંઘવારી, ભ્રષ્ટાચાર, આજીવિકાના પ્રશ્નો, સ્વાસ્થ્ય, શિક્ષણ અને પર્યાવરણ, તથા પ્રજાના દૈનિક જીવનની નાની મોટી સમસ્યાઓનો સમાવેશ થાય છે. ચૂંટણી દરમિયાન અર્બન અને શહેરી વિસ્તારોમાં તથા દૂરદરાજના ગામડાઓમાં લોકોને પડતી હાલાકી, જેમાં પ્રસૂતા માટે હોસ્પિટલ સુધી લઇ જવાના સાધનોથી માંડીને આદિવાસી વિસ્તારોના બાળકો માટે શાળાઓની અને ત્યાં સુધી પહોંચવા માટે વાહનોની સગવડો માટે કરેલા વાયદાઓ કયારે જુમલાઓમાં પરિવર્તિત થઇ જાય છે. લોકોને ખબર પણ પડતી નથી. આવા સળગતા પ્રશ્નો સામાન્ય નાગરિકના મગજમાં કોઈ પણ સંજોગોમાં ન આવે એની વ્યવસ્થા અને ખાસ તકેદારી સરકાર રાખે છે.
સળગતા પ્રશ્નોથી પ્રજા કેવી રીતે ઉદાસીન કે વિમુખ થાય, અથવા પ્રજાનું ધ્યાન કઈ કઈ બાબતોમાં પરોવીને ભટકાવી શકાય એ માટે કેટલાક વિભાગોને કાર્યરત કરી નાખ્યા . વિપક્ષી નેતાઓની છવિ અથવા ઇમેજ, ખરાબ કરવા માટે મીડિયાના લોકોને કામે લગાડી દીધા, જે રાત-દિવસ વિપક્ષના તમામ નેતાઓની પારિવારિક અને કેટલીક ખાનગી બાબતોની જાણકારી એકત્રિત કરીને દેશ અને દુનિયા સમક્ષ મૂકીને એમને અપમાનિત કરવાની શરૂઆત કરી દીધી, વિરોધીઓને ખતમ કરી નાખવાનો સરકારે, રીતિસર સિલસિલો શરુ કરી દીધો.
સરકારની નીતિઓ, કાર્યશીલ,અને વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉપસ્થિત કરનારને, જેલ ભેગા કરી દેવાયા. જેથી બહુ સ્વભાવિક રીતે વિરોધી દલોના નેતાઓ ભયભીત થઇ ગયા. સરકાર પણ એ જ ઇચ્છતી હતી. સરકારી પ્રતિષ્ઠાનો કે સાહસોના ખાનગીકરણ સામે જયારે કોઈ જર્નાલિસ્ટ કે વિરોધી નેતા અવાજ ઉઠાવતાની સાથે જ તેને ધાક, ધમકી, લોભ, લાલચ અને અંતે જેલ હવાલે.
કોઈ પણ સુસંસ્કૃત સંસ્કારી અને સુશિક્ષિત સમાજ જયારે લોકશાહી રીત-ભાતથી સરકારની પસંદગી કરે છે. ત્યારે સ્વાભાવિક રીતે પાર્ટી દ્વારા પસંદ કરાયેલા ઉમેદવારો કેવાં છે. એમનો ઇતિહાસ કેવું છે? સામાજિક જીવન કેવું છે? શૈક્ષણિક યોગ્યતા શું છે ? સામાજિક નિસબત કેવી છે? દેશવાસીનો પ્રત્યે એમનો વલણ અને ઉત્તરદાયિત્વની ભાવના કેવી છે? આ બધુ જ ધ્યાન માં રાખવામાં આવે છે. જે તે રાષ્ટ્રીય દલો પણ પોતાના ઘોષણાપત્રોમાં દેશ-હિતને સર્વોપરી રાખીને વિકાસના કામો કરવાની પોતાની પ્રતિબદ્ધતા પ્રજા સમક્ષ પુરી પ્રામાણિકતા સાથે મુકતા હોય છે. દરેક દલ કે પક્ષ આચાર સંહિતાને આદર અને માનસન્માન આપે છે. ચૂંટણીપંચ દ્વારા નક્કી કરાયેલા નિયમો, પ્રતિબંધો અને કાયદાઓ બધાને કોઈ પણ અપવાદ વગેરે લાગુ પડે છે. ચૂંટણી દરમિયાન તમે આતંકિત કરીંને કે લોભ લાલચ આપી ને બળપૂર્વક મતદાતાઓ પાસે થી મત પ્રાપ્ત કરી શકો નહીં. કોઈ પણ રાજકીય પક્ષ ધર્મ, સંપ્રદાય જાતિના નામે વોટ માંગી શકે નહીં. વિધાન સભા, લોક સભા, માટે નક્કી કરેલી રકમ જ રાજકીય પક્ષો ચૂંટણીમાં ખર્ચ કરી શકે તેથી વધારે ખર્ચ કરવામાં આવે તો તે ગેરકાયદેસર ગણાય. મંદિર, મસ્જિદ ચર્ચ, ગુરુદ્વાર કે અન્ય કોઈ પણ પૂજા અથવા ઈબાદતના સ્થળોની ચર્ચા કરીને મતદાતાઓથી મત માંગી શકાય નહીં.
પરંતુ આપણા દેશનું દુર્ભાગ્ય કહો કે દેશની કરુણતા કહો આ બધા નિયમો સત્તાપક્ષને લગ-ભગ લાગુ પડતા નથી. ચૂંટણી દરમિયાન સરીઆમ લોકશાહી ને શર્મસાર કરનાર, ચીરહરણ કરનાર દ્રશ્યો દેશના મોટા ભાગના રાજ્યોમાં દેખાય છે. અત્યારે પહેલાની જેમ સત્તાધારી પક્ષને બુથ કેપ્ચરીંગ કરવાની જરૂર પડતી નથી. ઈ.વી.એમ આવવાથી આ કામ ખુબ સરળ રીતે અને સરસરીતે પૂરું પડી શકાય છે. છેલ્લા ઘણા વર્ષોથી સરકારની તમામ કોશિશ વિરોધી સ્વરને કાયમી ક્ષય કે ખત્મ કરાવી દેવાની હોય છે. પરિણામે સરકાર નિરંકુશ રીતે નિયમો બનાવે છે અને તોડે છે. ન્યાય પાલિકાની અવમાનના ના કેસો આ સરકાર પર થયા છે. એટલા કેસો ભૂતકાળમાં કોઈ પણ સરકાર ઉપર થયા નથી એ પણ એક કીર્તિમાન છે. સરકાર મન કઈ વાત કરે છે. પરંતુ આ વર્ષોમાં ક્યારેય પત્રકાર પરિષદ યોજી નથી શક્યા. ચૂંટણી ટાણે જ સર્જીકલ સ્ટ્રાઇક ની ચર્ચા, ઘુષણખોરીની સમસ્યા, મંદિર, મસ્જિદ ની સળગતા પ્રશ્નો, લવજેહાદ, મોબલીંચિંગ, નકસલવાદ, આતંકવાદ વગેરે મુદાઓ પ્રગટ થઇ જાય છે. આવા સમયમાં આજીવિકાના પ્રશ્નો, રોજગારીના પ્રશ્નો, મોંઘવારી કે ભ્રષ્ટાચારના પ્રશ્નો, અને ખેડૂતના પ્રશ્નો થી દેશ અને સમાજ સર્વથા મુક્ત થઇ જાય છે. માત્ર દેશ ને અને ધર્મને બચાવવા માટે સૌ કોઈ કટિબદ્ધ થઇ જાય છે.
ચૂંટણી જીતી ગયા પછી ” સબ કુછ જૈસે થે “, કોઈ પડોશી દુશ્મનકે સરહદોના પ્રશ્નો રહેતા નથી. નકલવાદ કે આતંકવાદની વાતો પણ ભુતકાળ બની જાય છે. અને સામાન્ય જનતા ફરી પરાજિત થાય છે. અને આગામી પાંચ વર્ષ માટે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર સહન કરવા માટે ભિન્ન ભિન્ન કસરતો, અને યોગાભ્યાસમાં લાગી જાય છે.
આવા લેખો લખનાર લોકોની સંખ્યા પણ અસંખ્ય છે અને અસંખ્ય લેખો દરરોજ છપાય છે, અને વાંચતા પણ હશે. પરંતુ એક વાત નિર્વિવાદ રીતે સાચી છે કે જો આપણે સૌ ‘ એલર્ટ મોડ ‘ પર આવી જઈએ, સુષુપ્તાવસ્થામાંથી જાગ્રત અવસ્થામાં આવી જઈએ, આસ્થા, શ્રદ્ધા અને ભક્તિને ખંખેરીને યથાર્થ, ધરાતલ પર આવી જઈએ તો દ્રષ્ટિ વધુ સ્પષ્ટ થતી જશે પારદર્શી થશે, દૂર સુધીનું જોઈ શકાશે ભવિષ્ય માં આવનાર સમસ્યાઓને પણ સ્પષ્ટ રીતે જોઈ શકાશે, પણ એના માટે વ્યક્તિ પૂજા છોડવી પડશે અંધભક્તિ ત્યાગવી પડશે અને હકીકતોનો સામનો કરવાની ટેવ પાડવી પડશે તો કદાચ કોઈ પણ રાજકીય પ્રજાને છેતરી નહીં શકે.

Social