માઇકા પ્રેસિડેન્ટને ડરાવી-છેતરીને ઠગ ટોળકીએ કરોડો સેરવી લેવા મામલે સાયબર ક્રાઇમે મુખ્ય સૂત્રધાર સહિત 13 શખ્સોને ઝડપી પાડયા
માઈકા ઈન્સ્ટીટ્યૂટના પ્રેસિડેન્ટને સંપર્ક કરી સવા કરોડ રૂપિયાની છેતરપીંડી આચરનાર ગેંગ ઝડપાઈ છે. આરોપીઓએ ભેગા મળીને ભોગ બનનારને ફોન કરી ફેડેક્સ કુરીયરમાંથી તેઓએ ડ્રગ્સ અને પાસપોર્ટ સહિતની ગેરકાયદેસર વસ્તુઓ મુંબઈથી તાઈવાન ખાતે મોકલી છે તેવુ જણાવી CBI નું બનાવટી વોરંટ મોકલી ડરાવી પૈસા પડાવવામાં આવ્યા હતા. જે મામલે સાયબર ક્રાઈમમાં થોડા દિવસો પહેલા જ ગુનો નોંધાયો હતો.
સાયબર ક્રાઈમે અલગ અલગ 4 ટીમો બનાવી રાજકોટ, ધોરાજી, કુતિયાણા અને ઉપલેટા ખાતેથી કુલ 13 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓની તપાસ કરતા મુખ્ય આરોપી મોઈન ઈગારીયા ચાઈના ગેંગ સાથે મળીને આંતરરાષ્ટ્રીય રેકેટ ચલાવતો હોવાનું તપાસમાં ખુલ્યું છે. આરોપીઓ અલગ અલગ લોકોને ફોન કરી કુરિયરમાં ડ્રગ્સ અને અન્ય ગેરકાયદેસર વસ્તુઓ હોવાનું કહીને તેમજ મની લોન્ડરીંગ અને આંતકવાદી ફંડિંગમાં ભોગ બનનારના ખાતાનો ઉપયોગ થયો છે તેમ કહીને વિડીયો કોલમાં સાયબર ક્રાઈમના અધિકારી બનીને વાત કરી બનાવટી વોરંટ મોકલતા અને બાદમાં કરોડા રૂપિયા અલગ અલગ ખાતામાં મેળવી તે પૈસા અન્ય ખાતાઓમાં ટ્રાન્સફર કરી દેતા હતા. આરોપીઓ દ્વારા મેળવવામાં આવેલા પૈસા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરી હવાલા મારફતે પૈસા મેળવી લેતા હતા. આ તમામ કામગીરી ચાઈના અને દુબઈથી ઓપરેટ થતી હોવાનું ખુલ્યું છે. આ ગુનાનો અન્ય એક મુખ્ય સુત્રધાર નેવીવાલા મુસ્તુફા યુનુસ છે, જે હજુ પોલીસ પકડથી દુર છે. મુસ્તુફા અને મોઈન એક વાર ચાઈના પણ જઈ આવ્યા હોવાનો ખુલાસો તપાસમાં થયો છે.
આરોપીઓમાં રાજકોટના મિહીર ટોપીયા, અંકિત દેસાઈ, પ્રફુલ વાલાણી, રોનક સોજીત્રા, યોગીરાજસિંહ જાડેજા, રવિ સવસેટા, રોહીત વાઘેલા, સાગર ડાભી અને અમદાવાદના કિરણ દેસાઈ, પોરબંદરના કિશા ભારાઈ, મેરુ કરમટા, રોહન લેઉવા અને ધોરાજીથી મુખ્ય આરોપી મોઈન ઈંગારીયાને પકડવામાં આવ્યા છે. ઝડપાયેલા આરોપીઓમાંથી 4 આરોપી બુટલેગર હોવાનું પણ સામે આવ્યુ છે. રાજકોટ અને પોરબંદરના આરોપીઓ જે પહેલા દારૂના ધંધા સાથે સંકળાયેલા હતા તેઓએ પણ સાયબર ઠગાઈનો માર્ગ અપનાવ્યો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. ગેંગ દ્વારા અત્યાર સુધીમાં અનેક લોકો પાસેથી પૈસા પડાવવમાં આવ્યા હોય સાયબર ક્રાઈમે 12 આરોપીઓના 3 દિવસના અને મુખ્ય આરોપીના 6 દિવસના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે. આરોપીઓ પાસેથી મળી આવેલા બેંક એકાઉન્ટની તપાસ બાદ ઠગાઈનો આંકડો કરોડોમાં જાય તેવી પુરેપુરી શક્યતાઓ જોવા મળી રહી છે. વળી આ ગુનામાં ફરાર આરોપી અગાઉ અન્ય રાજ્યોના અને ગુજરાતના સાયબર ક્રાઈમમાં ઝડપાઈ ચુક્યો હોવાનું સામે આવ્યું છે. તેવામાં સાયબર ક્રાઈમે આરોપીઓની વધુ તપાસ હાથ ધરી આ કેસમાં 15 લાખથી વધુ રકમ રિકવર કરી આગળની કાર્યવાહી શરૂ કરી છે.
