અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી

અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી છે. બપોરે 12.39 વાગ્યાના વિજય મુહૂર્તમાં તેઓ ફોર્મ ભરવા માટે લાલ દરવાજા જિલ્લા પંચાયત ભવન ખાતે પહોંચ્યા હતા. ડમી ઉમેદવાર તરીકે પૂર્વ કોર્પોરેટર અને પૂર્વ AMTS ચેરમેન બાબુભાઈ ઝડફિયા અને AMCના શાસક પક્ષના પૂર્વ નેતા ભાસ્કર ભટ્ટએ ફોર્મ ભર્યું છે. ઉમેદવારી ફોર્મ ભરતી વખતે તેમની સાથે રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ શહેર પ્રમુખ અમિત શાહ, શહેર ભાજપ પ્રભારી સંજય પટેલ સહિતના ધારાસભ્યો અને નેતાઓ હાજર રહ્યાં હતાં.
ઉમેદવારી ફોર્મ ભરવા જતા પહેલા સવારે 10.30 વાગ્યે તેઓ સૌપ્રથમ બાપુનગર મધ્યસ્થ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા.જ્યાં રાજ્યકક્ષાના મંત્રી જગદીશ પંચાલ, નરોડા, ઠક્કરબાપાનગર, બાપુનગર સહિતની વિધાનસભાના ધારાસભ્યો અને શહેરના નેતાઓ સાથે તેઓએ મુલાકાત કરી હતી. તમામ નેતાએ તેમને શુભેચ્છા પાઠવી હતી. બપોરે 12.39 વાગ્યે લાલ દરવાજા બહુમાળી ભવન ખાતે આવેલા જિલ્લા પંચાયત ભવનમાં જિલ્લા વિકાસ અધિકારી સમક્ષ હસમુખ પટેલે ઉમેદવારી નોંધાવી હતી.પશ્ચિમ લોકસભા બેઠકના ઉમેદવાર દિનેશ મકવાણા 16મી તારીખે બપોરે 12:39ના વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવા જશે. ફોર્મ ભરવા જતા પહેલા સવારે દસ વાગ્યે તેઓ સભાને સંબોધશે. ત્યારબાદ બપોરે કલેકટર ઓફિસ ખાતે ફોર્મ ભરશે. આવતીકાલે 16મી તારીખે પશ્ચિમ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ભરત મકવાણા પણ ઉમેદવારી ફોર્મ ભરવા જશે. ઉમેદવારી ફોર્મ ભરતા પહેલા તેઓ સારંગપુર મધ્યસ્થ કાર્યાલય ખાતેથી રેલી સ્વરૂપે ફોર્મ ભરવા જશે સારંગપુર, કાલુપુર, પ્રેમ દરવાજા, શાહીબાગ થઈ અને સુભાષ બ્રિજ કલેકટર ઓફિસ ખાતે તેઓ જશે.ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ 19મી એપ્રિલના રોજ ફોર્મ ભરવા જશે. જે પહેલા 18 મી એપ્રિલના રોજ અમદાવાદ અને સાણંદ ખાતે તેઓ રોડ શો કરશે. રોડ શોની શરૂઆત સાબરમતી વિધાનસભામાં રાણીપ સરદાર ચોકથી બપોરે 3:30 વાગ્યે થશે. અલગ-અલગ વિધાનસભા મુજબ રોડ શો કર્યા બાદ વેજલપુર ખાતે જાહેર સભાને સંબોધન કરશે. અમિત શાહ સાથે ફોર્મ ભરવા માટે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ અને લોકસભાના પ્રભારી સહિતના નેતાઓ હાજર રહેશે.

Social