અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર ગમખ્વાર અકસ્માત, ટેન્કર પાછળ કાર ઘૂસી જતાં 10નાં મોત
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 10 લોકોના મોત નીપજ્યા છે. વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતા કારમાં સવાર તમામ લોકોનાં મોત નીપજ્યાં હતાં. પોલીસ દ્વારા ચાર મૃતકોની ઓળખ કરી લેવામાં આવી છે. જ્યારે અન્ય 6ની ઓળખ મેળવવા માટે તપાસ હાથ ધરી છે. મૃતકો અલગ અલગ શહેરના હોવાનું સામે આવ્યું છે.
અકસ્માતની માહિતી મળતાં જ બે એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. એક્સપ્રેસ હાઈવે પેટ્રોલિંગ ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી હતી અને કારની અંદર ફસાયેલા લોકોને બહાર કાઢવામાં આવ્યા હતા. અકસ્માતના કારણે એક્સપ્રેસ વે પર લાંબો જામ થઈ ગયો હતો. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે સુરક્ષિત રાખવામાં આવ્યા છે. બેદરકારીની સંબંધિત કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને મામલાની તપાસ કરવામાં આવી રહી છે.
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર એક કાર વડોદરાથી અમદાવાદ તરફ જઈ રહી હતી ત્યારે નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર ઘૂસી જતાં હાઈવે પર મરણચીસો ગુંજી ઊઠી હતી. ટેન્કર પાછળ જે કાર ઘૂસી ગઈ તેમાં કુલ 10 લોકો સવાર હતા. જેમાંથી 8 લોકોના ઘટનાસ્થળ પર જ મોત નીપજ્યાં હતાં. જ્યારે બે લોકોને ગંભીર ઈજા થતા સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જો કે, સારવાર દરમિયાન તેઓનાં પણ મોત નીપજતા કુલ મૃત્યુઆંક 10 થયો છે.અકસ્માતમાં 8 લોકોના ઘટનાસ્થળ પર મોત થયા છે. જ્યારે બે લોકોના સારવાર દરમિયાન મોત નિપજ્યા છે. તમામ મૃતકોના સંબંધીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ ચાલુ છે. ચાર મૃતકોની ઓળખ થઈ છે. ટેન્કર પુનાથી જમ્મુ જઈ રહ્યું હતું.
