શિવરંજની ચાર રસ્તા પાસેના પેન્ટહાઉસમાં ACમાં શોર્ટ સર્કિટ
અમદાવાદના શિવરંજની ચાર રસ્તા પાસે નજીક આવેલા મારુતિ ટાવરના નવમા માળે પેન્ટહાઉસના બેડરૂમના એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગવાની ઘટના બની હતી. ફાયરબ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ફાયર બ્રિગેડની ટીમો ત્યાં પહોંચી હતી. જોકે, સ્થાનિક લોકોએ ફાયર એક્ઝિગ્યુશન અને ફાયર સિસ્ટમની મદદથી આગ બુજાવી દીધી હતી. મારુતિ ટાવરના પેન્ટહાઉસમાં પીજી ચાલતું હોવાનું સામે આવ્યું છે. અંદાજે 20 છોકરીઓ રહેતી હોવાનું જાણવા મળ્યું છે. રહેણાંક વિસ્તારમાં ચાલતા પીજીને લઇને ફરી એક વાર સવાલો ઉભા થયા છે.
સૂત્રોના કહેવા મુજબ શિવરંજની ચાર રસ્તા નજીક મારુતિ ટાવરમાં પેન્ટહાઉસમાં આગ લાગી હતી. જોકે, ફાયર બ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ સ્થાનિક લોકોએ ફાયર સિસ્ટમની મદદથી આગને કાબુમાં લઈ લીધી હતી. બેડરૂમના એસીમાં શોર્ટ સર્કિટથી આગ લાગી હતી. જેમાં ઘરવખરી બળીને ખાક થઈ ગઈ હતી. ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. સ્થાનિક રહેવાસીઓ તાત્કાલિક ધોરણે નીચે ઉતરી ગયા હતા. જે પેન્ટહાઉસમાં આગ લાગી હતી, ત્યાં 10થી 12 છોકરીઓ હાજર હતી. જેથી ત્યાં પીજી ચાલતું હોવાની શક્યતા છે.શિવરંજની ચાર રસ્તા પાસે આવેલા મારૂતિ ટાવરમાં આગનો કોલ મળતાંની સાથે જ ફાયર બ્રિગેડના એડિશનલ ચીફ ફાયર ઓફિસર મિથુન મિસ્ત્રી, ડેપ્યુટી ફાયર ઓફિસર ઇનાયત શેખ અને નવરંગપુરા ફાયર સ્ટેશનના પંકજ રાવલ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
નવમા માળે આવેલા પેન્ટહાઉસના બેડરૂમમાં એસીમાં આગ લાગી હતી. જોકે, આ આગ સામાન્ય અતિ પરંતુ બેડરૂમની ઘરવખરી અને વધારે નુકસાન થયું હતું. પેન્ટહાઉસમાં રહેતા લોકો તાત્કાલિક બહાર નીકળી ગયા હતા. પેન્ટહાઉસમાં પીજી ચાલે છે. જેમાં છોકરીઓ રહેતી હોવાનું સામે આવ્યું છે.શહેરના પશ્ચિમ વિસ્તારમાં અનેક પેંઇંગ ગેસ્ટ(પીજી) ચાલે છે, જે રહેણાંક વિસ્તારમાં આવેલા છે. સોસાયટીના સ્થાનિક રહીશો અને બીજી માલિકો વચ્ચે અવારનવાર વિવાદ સામે આવતા હોય છે. રહેણાંક વિસ્તારમાં ચાલતા પીજીમાં લાગેલી આગના કારણે હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. બોપલ વિસ્તારમાં આવેલા ટીઆરપી મોલમાં આગ લાગી હતી. જેમાં ચોથા માળે પીજી ગર્લ્સ હોસ્ટેલ ચાલતું હતું, જેને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવ્યું છે. હવે રહેણાંક વિસ્તારમાં જે કોમર્શિયલ પીજી ચાલે છે, તેમાં આ ઘટના બનતાં હવે શું કાર્યવાહી મ્યુનિસિપલ કોર્પોરેશન કરે છે તેના પર લોકોએ સવાલ ઉઠાવ્યા છે.
