ગાંધીનગરના કર્મયોગી ભવનનાં પૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજરને શેર બજારમાં ટ્રેડિંગ કરવાનાં બહાને ગઠિયાઓએ 21 લાખથી વધુનો ચૂનો લગાવ્યો
શેરબજાર પહેલાથી જ જોખમી વ્યવસાય માનવામાં આવે છે. આમાં રોકાણકાર એક જ ક્ષણમાં અમીર બની જાય છે અને બીજી જ ક્ષણે તેની કમાણી ડૂબી જાય છે. તેમ છતાં તેમાં રોકાણ કરનારાઓમાં એક અલગ જ ક્રેઝ છે. જેનો ફાયદો ઉઠાવીને સાયબર ગુનેગારોએ શેર ટ્રેડર્સને પણ નિશાન બનાવવાનું શરૂ કર્યું છે અને શેરબજારના નામે મોટી છેતરપિંડી આચરવામાં આવી રહી છે. કેટલાક પાસેથી 64 લાખ, અન્ય પાસેથી 24 લાખ, આટલું જ નહીં, તેમણે કેટલાક લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરી છે.
ત્યારે ગાંધીનગરના કર્મયોગી ભવનનાં પૂર્વ ડેપ્યુટી જનરલ મેનેજરને શેર બજારમાં ટ્રેડિંગ કરવાનાં ચક્કરમાં રૂ. 21.25 લાખનો ચૂનો લાગ્યો છે. ગાંધીનગરનાં સેકટર – 10 સ્થિત કર્મયોગી ભવન ખાતે એચચાર ડિપાર્ટમેંટનાં પૂર્વ ડેપ્યુટી જનરલ મૅનેજરને શેર બજારમાં ટ્રેડિંગ કરવાનાં બહાને ગઠિયાઓએ 21 લાખ 25 હજારનો ચૂનો લગાવવા આવતાં ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગાંધીનગરના કુડાસણ સહજાનંદ સીટી બંગલોમાં રહેતા 51 વર્ષીય સુરેશ રામારાવ મુચીપલ્લી અગાઉ સેકટર – 10,કર્મયોગી ભવન ખાતે સિનિયર ડીજીએમ એચ.આર તરીકે સરકારી નોકરી કરતાં હતાં. જેઓએ વિદેશ જવાનું હોવાથી માર્ચ – 2023 માં સરકારી નોકરીમાંથી રાજીનામું આપી દીધું હતું. જો કે વિદેશ જવાનું કેન્સલ થતા હાલમાં તેઓ બીજી નોકરીની શોધમાં છે. ત્યારે 19મી ડિસેમ્બર – 2023 નાં રોજ સુરેશ રામારાવનાં મોબાઇલમાં મારલીના નામથી વોટસએપમાં જોનતાન સીઈમોન એલાઈટ પ્રોફિટ એક્સચેજ ગ્રુપમાં એડ થવા મેસેજ આવ્યો હતો.આ ગ્રુપમાં એલિસ, ફિયોના અને જોનાતન સાઇમન નામના ત્રણ લોકોના નંબર પણ એડ હતા. બાદમાં 20 મી ડિસેમ્બરે સુરેશ રામારાવ વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ ગયા હતા. અને શેર બજારમાં ટ્રેડિંગ રીલેટેડ ઓનલાઈન કલાસ શરૂ કર્યા હતા. આ દરમ્યાન જાન્યુઆરી – 2024 માં ગઠિયાએ આલ્ફએક્સિસ પ્રો.એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી હતી. જેમાં અલગ અલગ બેંકના એકાઉન્ટ નંબર પણ હતા.
બાદમાં શેર બજારમાં ટ્રેડિંગ અર્થે સુરેશ રામારાવ પાસે તા. 9 થી 28 જાન્યુઆરી દરમ્યાન જુદા જુદા બેંક ખાતાઓમાં પૈસાનું રોકાણ કરાવ્યું હતું. અને આલ્ફએક્સિસ પ્રો એપ્લીકેશનમાં તેમના નામે 40 લાખનું બેલેન્સ પણ ડિસ્પ્લે થવા લાગ્યું હતું. જેથી સુરેશ રામારાવે એપ્લીકેશનમાંથી પૈસા ઉપાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે પૈસા વિડ્રો નહી થતાં તેમણે ઉક્ત વોટસઅપ ગ્રુપના મેનેજરને મેસેજ કરતા જણાવાયું હતું કે, તમે IPO માટે અરજી કરવા ગયેલ તે IPO 75 લાખનો હતો. તમારા દ્વારા IPO ઉપર ક્લીક થઈ જતાં તમારી 40 લાખ રૂપિયાની મૂડી IPO માટે ટ્રાન્સફર થઈ ગઈ છે.એટલે બાકીનાં 35 લાખ જમા કરશો તોજ તમે પૈસા ઉપાડી શકશો. નહીં તો આ 40 લાખ પણ જતાં રહેશે.
પોતાની પાસે આટલી બધી રકમની વ્યવસ્થા નહીં હોવાથી સુરેશ રામારાવ HDFC બૅન્કમાં લોન કરાવવા માટે ગયા હતા. ત્યારે બેંક મેનેજરે ફ્રોડ થયાનું સુરેશ રામારાવને બ્રહ્મ જ્ઞાન આપ્યું હતું. આખરે પોતાની સાથે છેતરપિંડી થયાનો વિશ્વાસ આવતાં સુરેશ રામારાવે સાઇબર ક્રાઈમ પોર્ટલ ઉપર ફરિયાદ આપતા ગાંધીનગર રેન્જ સાયબર ક્રાઇમ પોલીસ મથકના પીઆઈ જયદીપસિંહ કનકસિંહ રાઠોડે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
