અમદાવાદની દાદા હરિની વાવ પાસે દિવાલ ધસી પડતા પાંચ દટાયા : બેનાં મોત, ત્રણને ઇજા
અમદાવાદનાં અસારવા વિસ્તારમાં દાદા હરિની વાવ પાસે આવેલી રેલવેની દિવાલ ધસી પડી હતી દિવાલ ધસી પડતાં બાજુમા રહેતાં કુલ પાંચ લોકો દટાયા હતા. જેમાં 2 લોકોના ઘટનાસ્થળે જ મોત થયા છે. જ્યારે ત્રણ લોકોને ઈજા થતાં સારવાર માટે 108 મારફતે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ ત્યાં પહોંચી હતી. જોકે ફાયરની ટીમ પહોંચે તે પહેલા સ્થાનિક લોકોએ તમામ લોકોને બહાર કાઢી લીધા હતા. જેમાં બે વ્યક્તિઓ ઘટનાસ્થળે જ મૃત્યુ પામેલા હતા. જ્યારે અન્ય ત્રણ લોકો બેભાન હાલતમાં હોવાથી તેમને તાત્કાલિક સારવાર અર્થે 108 એમ્બ્યુલન્સમાં સિવિલ હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યા હતા.
ફાયરબ્રિગેડ પાસેથી મળતી માહિતી મુજબ આજે સવારે 10:30 વાગ્યાની આસપાસ ફાયરબ્રિગેડ કન્ટ્રોલ રૂમને મેસેજ મળ્યો હતો કે, અસારવા વિસ્તારમાં બેઠક નજીક દાદા હરી વાવની પાછળ જે રેલવે પેરેલ દિવાલ આવેલી છે તે ધરાશાયી થઈ છે અને કેટલાક માણસો દબાયા છે. જેથી ફાયર બ્રિગેડની બે ટીમ તાત્કાલિક રવાના કરવામાં આવી હતી. જોકે ફાયરબ્રિગેડના અધિકારીઓ ત્યાં ઘટનાસ્થળે પહોંચ્યા તે પહેલા જ સ્થાનિક લોકો દિવાલ નીચે જે દબાયા હતા તેમને બચાવવાની શરૂઆત કરી લીધી હતી.ફાયરબ્રિગેડના અધિકારીએ જણાવ્યું હતું કે, દિવાલ કેવી રીતે ધરાશાયી થઈ અને આ લોકો દિવાલ પાસે કેવી રીતે રહેતા હતા તે અંગે હજી જાણવા મળ્યું નથી. ફાયર બ્રિગેડની ટીમ હાલમાં કાટમાળ નીચે કોઈ વ્યક્તિ ફસાયેલો છે કે કેમ તે અંગે સર્ચ ઓપરેશન કરવાની કામગીરી કરી રહી છે.

