રાધનપુરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને પહોંચેલી કારને શેરથા ટોલટેક્સથી ઝડપી પાડી, 1100 બોટલો સહિત 16 લાખનો મુદ્દામાલ જપ્ત
રાધનપુરથી વિદેશી દારૂનો જથ્થો ભરીને ગાંધીનગરની હદમાં પ્રવેશેલી નંબર પ્લેટ વિનાની ઈનોવા કારને લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે શેરથા ટોલટેક્ષથી આંતરી લઈ રૂ. 1 લાખ 21 હજારની કિંમતની દારૂની 1100 બોટલો સાથે એક ઈસમને ઝડપી પાડી વિદેશી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કર્યો છે.
ગાંધીનગર જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમસેટ્ટીએ લોકસભા ચૂંટણી અન્વયે દારૂની હેરાફેરી થતી અટકાવવા માટે બાઝ નજર રાખી અસરકારક કામગીરી કરવા તાબાનાં અધિકારીઓને કડક સૂચનાઓ આપવામા આવેલી છે. ત્યારે એલસીબી પીઆઈ એચ પી પરમારની ટીમના પીએસઆઇ આર જી દેસાઈ પોતાની ટીમ સાથે પેટ્રોલીંગ કરી રહ્યા હતા. આ દરમિયાન બાતમી મળી હતી કે, મહેસાણા તરફથી અમદાવાદ બાજુ જતી એક સફેદ કલરની નંબર પ્લેટ વિનાની ઇનોવા કારમાં વિદેશી દારૂનો જથ્થો ભરેલો છે.એવામાં છેક રાધનપુરથી દારૂ ભરેલી કાર લઈને વડોદરા તરફ નીકળેલા બે બુટલેગરો પૈકીનાં એકને ગાંધીનગરના શેરથા ટોલટેક્સથી ઝડપી લઈ વિદેશી દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી 16 લાખ 21 હજારનો મુદ્દામાલ જપ્ત કરી લેવાયો છે.
જે હકીકતના આધારે એલસીબીએ શેરથા ટોલટેક્ષ નજીક વોચ ગોઠવી દીધી હતી. જો કે બાતમી મુજબની કારનાં ચાલકે પોલીસની નાકાબંધી બંધી જોઈને ટોકટેક્ષ પહેલા જ કાર રોકી દીધી હતી. જેમાથી બે ઈસમો ઉતરીને સીધા ભાગવા લાગ્યા હતા. જેથી પોલીસે બે ઈસમો પૈકીના એકને પીછો કરીને પકડી લીધો હતો. જ્યારે તેનો સાથીદાર અંધારાનો લાભ લઈ નાસી ગયો હતો. બાદમાં પોલીસે ઈસમની પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ ભાવેશ બાબુભાઈ રાવળ (ઉ.વ.25 રહે.230, ભીલવાસ, નાયકા, તા.સમી, જી.પાટણ હાલ રહે. ક્રિષ્ણા બંગ્લોઝ સામે, ખેતરમાં, રાધનપુર) તેમજ નાસી ગયેલ ગાડીના ડ્રાઈવરનું નામ આકાશ જયંતીભાઇ રાવળ (રહે, જેઠાસર, રાધનપુર) હોવાનું જણાવ્યું હતું. બાદમાં પોલીસે કારની તલાશી લેતાં વચ્ચેની સીટ તથા પાછળની સીટમાં ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થાની 23 પેટીઓ મળી આવી હતી.
જ્યારે ગાડીના માલિકનું નામ ઠાકોર ભાથીજી હમીરજી (રહે.ઠાકોરવાસ, બામરોલી, પાટણ) હોવાના પુરાવા મળ્યા હતા. આ અંગે ભાવેશ રાવળે કબૂલાત કરેલી કે, રાધનપુરથી ભાથીજી ઠાકોરે નંબર પ્લેટ વિનાની ગાડીમાં દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. અને વડોદરા ખાતે તે કહે ત્યાં દારૂની ડીલીવરી આપવા માટે ડ્રાઈવર આકાશ રાવળ સાથે નિકળ્યો હતો. જો કે પાટણ અને મહેસાણાની હદ વટાવીને ગાડી ગાંધીનગરની હદમાં પ્રવેશી હોવાની ગંધ આવી જતાં એલસીબીએ દારૂની હેરાફેરીના નેટવર્કનો પર્દાફાશ કરી 1 લાખ 21 હજારનો દારૂનો જથ્થો તેમજ 15 લાખની કાર મળીને કુલ રૂ. 16.21 લાખનો મુદ્દામાલ જપ્ત કરી અડાલજ પોલીસ મથકમાં ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.
130