નરોડામાં બસ હટાવવા મામલે એએમટીએસના બે ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ થઇ
નરોડામાં બસ હટાવવા બાબતે એએમટીએસના બે ડ્રાઇવરો વચ્ચે માથાકૂટ થઇ હતી. જેમાં એક ડ્રાઇવરે બીજાને લોખંડની પાઇપથી ફટકાર્યો હતો. તેમાં બસ કાઢતી વખતે બીજી બસને ખસેડવાનું કહેતા મામલો બિચક્યો હતો. આ અંગે ડ્રાઇવરે બીજા ડ્રાઇવર સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
બાપુનગરમાં રહેતા ભરતસિંહ ઠાકોર મેમ્કો ડેપો એએમટીએસમાં ડ્રાઇવર તરીકે નોકરી કરે છે. ગત 18 એપ્રિલે બપોરના સમયે તેઓ કંડકટર દિપક સાથે નરોડા ભાગોળ ત્રણ રસ્તાથી બસ લઇને પસાર થતા હતા. તે સમયે એએમટીએસ બસ ડ્રાઇવર ફિરોઝે તેની બસ ભરતસિંહની બસની આગળ મૂકી હોવાથી તેમને બસ ખસેડવા માટે કહેતા ફિરોઝે ઉશ્કેરાઇને બિભત્સ ગાળો બોલીને ભરતસિંહને માર મારવા લાગ્યો હતો. તેમજ લોખંડની પાઇપ માથામાં મારી દીધી હતી. જેથી ભરતસિંહ લોહિલુહાણ થઇ જતા બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી જતા ફિરોઝ ત્યાંથી નાસી ગયો હતો. અને ભરતસિંહને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે ભરતસિંહે ફિરોઝ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
