સુરતમાં કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીના ઉમેદવારી ફોર્મ અંગે થશે આજે ફેંસલો, ટેકેદારો ગાયબ
લોકશાહી પર્વનો 19મી તારીખે પ્રારંભ થઇ ગયો છે, દેશમાં તમામ પાર્ટીઓ ચૂંટણી જીતવા કમર કસી રહી છે, હાલમાં રાજકિય પાર્ટીઓ ચૂંટણી જીતવા એડીચોટીનો જોર લગાવી રહી છે. ગુજરાતના સુરતમાં કોંગ્રેસના ઉમેદવારના ફોર્મમાં તેમના ત્રણ ટેકેદારોએ પોતે સહી નથી કરી હોવાની વાત સામે આવતા મામલો પેચીદો બન્યો હતો.ઉમેદવારી ફોર્મ અંગે આજે નિર્ણય લેવાશે,કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ માન્ય રહેશે કે નહીં તેનો આજે ફેંસલો થશે. કુંભાણીના ડમી ઉમેદવાર સહિત ટેકેદારો ગાયબ થયા છે. ફોર્મમાં સહી કરી જ ન હોવાનું ત્રણેય ટેકેદારો રમેશ પોલરા, જગદીશ સાવલીયા, ધ્રુવિન ધામેલીયા નિવેદન રજૂ કર્યું હતું.ચૂંટણી અધિકારી સમક્ષ નિવેદન નોંધાવી ત્રણેય ગાયબ થઇ ગયા હતા. સવારે 11 વાગ્યે કુંભાણી ઉમેદવાર રહેશે કે ઘરે જશે તેનો નિર્ણય લેવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસની લીગલ ટીમ હાલ સુરતમાં છે. ચાર પૈકી ત્રણ શખ્સો નિલેશ કુંભાણીના સગા અને નજીકના વ્યક્તિ છે. જગદીશ સાવલિયા નિલેશ કુંભાણીના બનેવી છે. ધ્રુવિન ધામેલિયા નિલેશ કુંભાણીનો ભાણેજ છે, તો રમેશ પોલરા નિલેશ કુંભાણીના ધંધાકીય ભાગીદાર છે.સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી વિવાદમાં મુકાઈ છે. નિલેશ કુંભાણીના ફોર્મ સામે ભાજપ તરફથી વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. નિલેશ કુંભારણીના ટેકેદારોએ એફિડેવિટ કરીને કહ્યું હતું કે, આ સહી અમારી નથી. આથી નિલેશ કુંભાણીની ઉમેદવારી જોખમમાં મૂકાઇ છે અને તેમના ફોર્મ પર પ્રશ્નાર્થ ઉભો થયો છે.આ સમગ્ર ઘટનાક્રમ વચ્ચે નિલેશ કુંભારણીએ પોતાના ટેકેદારોનું અપહરણ થયું હોવાની આશંકા પણ વ્યકત કરી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેકટરે નિલેશ કુંભાણીને આજે રવિવાર સુધીનો સમય અપાયો હતો. આજે આ સમગ્ર મામલે સુનાવણી થશે.
