લાંગાએ ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપોયગ કરી ઈરાદાપૂર્વક ગેરકાયદેસર નાણાં મેળવ્યાનો ખુલાસો

ગાંધીનગરના પૂર્વ કલેક્ટર એસ. કે. લાંગા ની મુશ્કેલીઓ ઓછી થવાનું નામ લેતી નથી. લાંગા અને તેમના પુત્ર સામે ACBએ અપ્રમાણસર મિલકતનો ગુનો દાખલ કર્યો છે. લાંગાએ તેમની ફરજ દરમિયાન હોદ્દાનો દુરુપોયગ કરી ઈરાદાપૂર્વક ગેરકાયદેસર રીતરસમો અપનાવી નાણાં મેળવીને તે નાણાંનો ઉપયોગ કરી પોતાના તથા પુત્ર પરીક્ષિત શંકરદાન ગઢવીના નામે સ્થાવર/જંગમ મિલકતોમાં રોકાણ કરી 1 એપ્રિલ 2008થી 30 સપ્ટેમ્બર 2019 સુધીના સમયગાળામાં પોતાની કાયદેસરની કુલ આવક 5,87,56,939ની સામે તેઓએ કુલ ખર્ચ અને રોકાણ કુલ રૂપિયા 17,59,74,682નું કર્યું છે. તેમણે 198.15 ટકા જેટલું રોકાણ કરી 11.64 કરોડની અપ્રમાણસર મિલકત વસાવી હોવાનું ACBની તપાસમાં સામે આવ્યું છે. આ ઉપરાંત લાંગાએ પોતાની 12માંથી 10 મિલકત પોતાના પુત્ર પરીક્ષિતના નામે જ ખરીદી છે.
ACBની તપાસ પ્રમાણે 1 એપ્રિલ 2008થી 30 સપ્ટેમ્બર 2019 સુધીના સમયગાળા દરમિયાન એસ.કે. લાંગાએ તેમના પુત્રના નામે ઘણી બધી મિલકતો વસાવી છે. તે મિલકતો ખરીદી કરતાં અગાઉ દરેક વખતે તેમના પુત્રએ પોતાના નામની પ્રોપરાઇટરશીપ ફર્મમાં ટુકડે ટુકડે રોકડ નાણાં જમા કરાવ્યા હતા. ત્યાર બાદ તે રોકડ નાણાં પોતાના બચત ખાતામાં ટ્રાન્સફર કરી તે એકાઉન્ટમાંથી મિલકતોની ખરીદી કરી છે. ભ્રષ્ટાચારથી એકત્ર કરેલા નાણાંને પોતાના પુત્રની શેલ કંપનીમાં રોકડ સ્વરૂપે જમા કરાવી ભ્રષ્ટાચારના નાણાંથી પુત્રના નામે મિલકતો ખરીદી હોવાનું પ્રાથમિક દૃષ્ટીએ જાણવા મળ્યું છે. એસ. કે. લાંગા અને તેમના પુત્ર પરીક્ષિત શંકરદાન ગઢવી વિરૂદ્ધ અમદાવાદ શહેર ACBએ ગુનો દાખલ કર્યો છે.

Social