રાજકોટમાં હાર્ટ એટેકે બેનો ભોગ લીધો : ક્રિકેટ રમતાં 14 વર્ષીય તરુણ ઢળી પડ્યો, લગ્ન પ્રસંગમાં યુવકનું હાર્ટ ફેઈલ થયું
હાર્ટ એટેકનો કહેર લોકોને ડરાવી રહ્યો છે. છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકથી મોતના કિસ્સા એટલી હદે વધી રહ્યા છે કે દરેક વ્યક્તિ ચિંતિત બની જવા પામ્યો છે. ઉંમર લાયક તો ઠીક પણ હવે બાળકો પણ આમાંથી બાકાત રહ્યા નથી. ત્યારે રાજકોટથી હૃદયરોગના હુમલાની વધુ બે ઘટનાઓ સામે આવી છે. અહીં ક્રિકેટ રમવા ગયેલો 14 વર્ષીય તરુણ મેદાનમાં અચાનક ઢળી પડતા સારવાર અર્થે ખસેડાયા બાદ મોત નીપજ્યું હતું. જ્યારે લગ્ન પ્રસંગમાં ગયેલા યુવકનું હૃદયના ધબકારા બંધ થઈ જતા મોતને ભેટ્યો હતો.
રાજકોટમાં આજે વધુ બે લોકોના હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યા છે. પ્રથમ બનાવની વિગતો એવી છે કે જેમાં 14 વર્ષીય બાળક અને બીજા બનાવમાં 37 વર્ષના યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજતા પરિવારમાં માતમ છે. વાવડી પાસે મહમદીબાગમાં રમતા રમતા 14 વર્ષીય રેનિશ નકાણી અચાનક ઢળી પડ્યો હતો. ત્યાર બાદ તેને હોસ્પિટલ ખસેડાતા સારવાર કારગત નીવડે તે પહેલા તરુણે દમ તોડી દીધો હતો. જ્યારે નવાગામમાં રહેતા રિક્ષાચાલક મનોજ બાવળીયાનું લગ્ન પ્રસંગે ગયા હતા તે સમયે હૃદય બેસી ગયું હતું. બન્ને બનાવમાં પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી કાર્યવાહી હાથ ધરી હતી.
નોંધનીય છે કે તાજેતરમાં સાણંદમાં ગઢીયા ચાર રસ્તા VVIP બંદોબસ્તમાં ફરજ બજાવતા એક હોમગાર્ડને અકાએક પરસેવો થયા બાદ હાર્ટ એટેક આવતા ટળી પડ્યો હતો.
