જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં દ્વિતીય તબક્કાનું સ્ટાફ રેન્ડમાઈઝેશન યોજાયું
જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે.ની અધ્યક્ષતામાં અમદાવાદ જિલ્લાની લોકસભા બેઠકો હેઠળ સમાવિષ્ટ વિધાનસભા વિસ્તારોમાં ચૂંટણી કામગીરી માટે સ્ટાફનું બીજા તબક્કાનું રેન્ડમાઈઝેશન હાથ ધરવામાં આવ્યું હતું. લોકસભા બેઠકોના જનરલ ઓબ્ઝર્વરઓની ઉપસ્થિતિમાં બીજા તબક્કાનું સ્ટાફ રેન્ડમાઈઝેશન પૂર્ણ થયું હતું. આ રેન્ડમાઈઝેશનમાં 21 વિધાનસભાઓમાં ચૂંટણી કામગીરી માટે 26,625 કર્મચારીઓને આવરી લેવામાં આવ્યા હતા.
અત્રે ઉલ્લેખનીય છે કે, અમદાવાદ જિલ્લાની 21 વિધાનસભા બેઠકોમાં 5459 મતદાન મથકો પર આગામી તારીખ 7મી મેના રોજ લોકસભા ચૂંટણી માટે મતદાન યોજાવાનું છે. બીજા તબક્કાના સ્ટાફ રેન્ડમાઈઝેશનમાં અમદાવાદ પશ્વિમ લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર પુનિત યાદવ, અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ચૂંટણી નિરીક્ષક અભિનવ ચંદ્રા, ગાંઘીનગર લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર વિનય કુમાર,ખેડા લોકસભા બેઠકના જનરલ ઓબ્ઝર્વર શશી પ્રકાશ ઝા, ૭-અમદાવાદ પૂર્વ લોકસભા બેઠકના ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે, નિવાસી અધિક કલેક્ટર અને ચૂંટણી સ્ટાફના નોડલ અધિકારી સુધીર પટેલ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર ઉપસ્થિત રહ્યા હતા.
અમદાવાદની બન્ને બેઠકો માટે માન્ય અને અમાન્ય ઠરેલ ઉમેદવારોની વિગત
1) 7-અમદાવાદ પૂર્વ બેઠક પર 34 ઉમેદવારોએ 44 ફોર્મ ભરેલાં, જેમાંથી 11 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા છે, જ્યારે 23 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે.
2) 8-અમદાવાદ પશ્ચિમ (અ.જા.)બેઠક માટે 12 ઉમેદવારોએ 19 ફોર્મ ભરેલા, જેમાંથી 6 ઉમેદવારના ફોર્મ માન્ય રહ્યા છે અને 6 ઉમેદવારોના ફોર્મ રિજેક્ટ થયા છે.
