છત્રાલ પાસે ટ્રકનાં ચોર ખાનામાંથી 3.86 લાખનાં વિદેશી દારૃ સાથે ડ્રાઈવર ઝડપાયો :
13.91 લાખનો મુદ્દામાલ જપ્ત

મહેસાણા છત્રાલ હાઇવે તરફ સર્વિસ રોડ પરની હોટલ નજીક ઉભેલી ખાલી ટ્રકનાં ચોર ખાનામાંથી ગાંધીનગર લોકલ ક્રાઇમ બ્રાંચે પૂર્વ બાતમીના આધારે ત્રાટકીને વિદેશી દારૃ – બિયરની 1500 થી વધુ બોટલોનાં જથ્થા સાથે ડ્રાઇવરની ધરપકડ કરી કુલ રૂ. 13.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
લોકલ ક્રાઇમ બ્રાંચની ટીમને બાતમી મળી હતી કે, છત્રાલથી મહેસાણા તરફ જતા રોડ ઉપર આવેલ અમીરશ હોટલ નજીક ચંદ્રેશ કેબલ લીમીટેડ કંપનીના દિવાલને અડીને આવેલ સર્વીસ રોડ ઉપર ઉભેલી ટ્રકમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ભરેલો છે. જેનાં પગલે પોલીસની ટીમ તાત્કાલિક બાતમી વાળી જગ્યાએ પહોંચી ગઈ હતી. જ્યાં ટ્રકમાં તપાસ કરતા કેબીનમાં ડ્રાઇવર સુંતો હતો. જેને ગાઢ નિંદ્રામાંથી જગાડી પોલીસે પૂછતાંછ કરતાં તેણે પોતાનું નામ દિલીપ બસ્તીરામ મેઘવાલ (હાલ રહે. નાનદડી ગૌશાળાની બાજુમાં, ભુપેન્દ્ર પ્રજાપતિના મકાનમાં ભાડેથી, સારાનગર, જોધપુર,મૂળ રહે. ભાકરીવાલા ગામ,તા.રોહિટ જી.પાલી) હોવાનું જણાવ્યું હતું. બાદમાં ટ્રકની પાછળની બાજુ તપાસ કરતા ટ્રક ખાલીખમ હતી. પરંતુ જમાદાર રાજવીરસિંહ અને વિજયકુમારની બાતમી પાક્કી હોવાથી પોલીસે ટ્રકની પાછળના બોડીના ભાગે બારીકાઈથી તપાસ કરતા તળીયાના ભાગે લોખંડના પતરાની નીચે ચોર ખાનું બનાવી તેમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો સંતાડી રાખેલ હોવાનું જોવા મળ્યું હતું.
બાદમાં ડ્રાઈવર દિલીપે ટ્રક નીચે જઈને ચોર ખાનાના બોલ્ટ ખોલતા ઉપરના ભાગેથી બે અલગ અલગ લોખંડના પતરાના ઢાંકણા ખુલી ગયા હતા. જેમાથી એક પછી એક કુલ 62 વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. જેમાંથી જરૃરીયાત મુજબની બોટલો એફએસએલ પૃથક્કરણ અર્થે કાઢીને દારૃની ગણતરી કરતાં 1562 નંગ વિદેશી દારૃ – બિયરનો જથ્થો હોવાનું સામે આવ્યું હતું. જે અંગે કડકાઈથી પૂછતાંછ કરતાં દિલીપે કબૂલાત કરેલી કે, 18 મી એપ્રિલની રાત્રે જોધપુર સારાનગરના પુખરાજ નામના ઈસમે ટ્રકમાં દારૂનો જથ્થો ભરી આપ્યો હતો. જે ટ્રક લઇને જોધપુરથી નીકળી આબુરોડ, અમીરગઢ બોર્ડર થઇ પાલનપુર વટાવી ઉંઝા, વિસનગર, ગોઝારીયા, નારદીપુર, કલોલ થઇ છત્રાલ ખાતે આવી પહોંચ્યો હતો. અહીંથી કડી જઈને પુખરાજે આપેલા વોટ્સઅપ નંબર સંપર્ક કરી વિદેશી દારૂનો જથ્થો ડીલીવરી કરવાનો હોવાની વધુમાં દિલીપે કબૂલાત કરી હતી. જેનાં પગલે પોલીસે રૂ. 3.86 લાખનો દારૃ, મોબાઈલ ફોન, ટ્રક સહિત કુલ રૂ. 13.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કલોલ તાલુકા પોલીસ મથકમાં ત્રણ ઈસમો વિરુદ્ધ ગુનો દાખલ કરાવી વધુ તપાસ હાથ ધરી છે.

Social