લોકસભા ચૂંટણીમાં BJPનું ખાતું ખૂલ્યું : ગુજરાતના ઇતિહાસમાં ભાજપ ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાયા

સુરત લોકસભા બેઠક પર ઈતિહાસ સર્જાયો છે. સુરત લોકસભા બેઠક બિનહરીફ બની છે. અપક્ષ સહિત તમામ અન્ય ઉમેદવારોએ ઉમેદવારી પરત ખેંચી છે. લોકસભા ચૂંટણીમાં સુરત બેઠકથી ભાજપનું ખાતુ ખૂલ્યું છે.સુરત લોકસભા બેઠક પર છેલ્લા બે દિવસથી ચાલી રહેલા રાજકીય ડ્રામાને અંતે રવિવારે બપોરે ચૂંટણી અધિકારી ડો. સૌરભ પારઘીએ કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીનું ફોર્મ રદ જાહેર કર્યું હતું. કુંભાણીના ટેકેદાર બનેવી, ભાણિયો અને ભાગીદાર ચૂંટણી અધિકારી સમક્ષ હીયરિંગમાં હાજર જ થયા નહીં. બીજી તરફ ચૂંટણી અધિકારીએ કરેલી તપાસમાં ત્રણેય ટેકેદારોની અસલ સહી ઉમેદવારીપત્રમાં કરેલી સહી સાથે મેચ થઈ નહીં. એટલું જ નહીં ટેકેદારોને ધાકધમકી કે દબાણ પણ કરવામાં આવ્યું ન હોવાનું તપાસમાં ફલિત થતાં ફોર્મ અમાન્ય જાહેર કરાયું હતું. આજે ફોર્મ ખેંચવાનો છેલ્લો દિવસ છે ત્યારે સુરત બેઠક પર ભાજપના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ થયા છે.

સુરત લોકસભા બેઠક પર અપક્ષ સહિત 8 ઉમેદવારો પૈકી 7 ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યુ હતું. બાદમાં બહુજન સમાજ પાર્ટીના ઉમેદવાર પ્યારેલાલ ગાયબ થયા બાદ કલેક્ટર કચેરીએ પ્રગટ થયા હતા અને ઉમેદવારી પત્રક પાછું ખેંચી લેતા ચૂંટણીપંચે વિજેતા જાહેર કર્યા છે. સુરતના કલેક્ટર સૌરભ પારઘીએ જણાવ્યું હતું કે, લોકપ્રતિનિધિત્વ અધિનિયમ 1951ની કલમ 53ની પેટા કલમ 2 હેઠળ ચૂંટણીના પરિણામની જાહેરાત કરું છું. ગુજરાત રાજ્યના 24- સુરત સંસદીય મતદાર વિભાગમાંથી લોકસભા માટેની ચૂંટણી સંચાલનના નિયમો 1961ના નિયમ 11ના પેટા નિયમ એકસાથે વણસતા લોક પ્રતિનિધિત્વ અધિનિયમ 1961ની 53ની પેટા કલમ 2 જોગવાઈઓના અનુસરણમાં હું જાહેર કરું છું કે, ઉપરોક્ત મતદાર વિભાગમાંથી એક ગૃહની બેઠક ભરવા માટે ભારતીય જનતા પાર્ટી દ્વારા સમર્થન અપાયેલ મુકેશકુમાર ચંદ્રકાંત દલાલ યોગ્ય રીતે ચૂંટાય આવ્યા છે.

Social