ગાંધીનગરના દંતાલી કેનાલ પાસે ફોટોશૂટ કરતાં કપલને છરીની અણીએ 7.40 લાખના દાગીનાની લૂંટ કરી શખ્સો ફરાર
ગાંધીનગરના દંતાલી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ પાસે કાર ઊભી રાખીને ફોટોશૂટ કરતાં કપલને છરીની અણીએ બાનમાં લઈ બાઈક સવાર લૂંટારુઓ 5 લાખ નું સોનાનું ડાયમંડવાળુ કડુ તેમજ રૂ. 2 લાખ 40 હજારની કિંમતની બે સોનાની ચેઇન મળીને કુલ રૂ. 7 લાખ 40 હજારના દાગીનાની લૂંટ કરીને ફરાર થઇ જતાં અડાલજ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદ તાજ હોટેલની સામે સિંધુભવન રોડ શાંતિ નિકેતન બંગલોમાં રહેતો સુજલ મનસુખભાઈ દેવાણી શાંતી પ્રોર્કોન, એલ.એલ.પી નામની કન્ટ્રકશન કંપની ચલાવે છે. આજથી બે મહિના અગાઉ તેની સગાઈ અંકલેશ્વર ખાતે રહેતા ભાવેશભાઇ પટેલની દીકરી ધ્રુવી સાથે થઈ હતી. ગઈકાલે સુજલ તેની વાગ્દત્તા ધ્રુવી સાથે કિયા ગાડીમાં અદાણી શાંતીગ્રામ તરફ ફરવા નિકળ્યો હતો. બાદમાં બંને જણાં દંતાલી ગામની સીમમાંથી પસાર થતી નર્મદા કેનાલ તરફ ગયા હતા. જ્યાં રેલ્વે બ્રીજ નજીક ગાડી ઉભી રાખીને બંને ફોટોશુટ કરી રહ્યા હતા. તે વખતે સાંજના સાતેક વાગ્યાના સુમારે બાઈક ઉપર બે અજાણ્યા લૂંટારુઓ તેઓની પાસે પહોંચી ગયા હતા અને કડકાઈથી ક્યાં રહેવાનું વગેરે પૂછતાંછ કરવા લાગ્યા હતા. આથી સુજલે તારે શું છે તેમ કહેતાં જ બાઈક પાછળ બેઠેલ એક લૂંટારુએ નીચે ઉતરીને ખિસ્સામાંથી છરી કાઢી સુજલનો મોબાઇલ ખિસ્સામાં મુકાવી દીધો હતો.
બાદમાં સુજલને ગળામાં પહેરેલ સોનાની ચેઇન આપી દેવાની સૂચના આપી હતી. આથી લૂંટારુઓનો ઈરાદો પારખી જઈને સુજલે બીકનાં માર્યા સોનાની ચેઇન કાઢીને આપી દીધી હતી. બાદમાં પૈસાની માંગણી નહીં સંતોષાતા લૂંટારૃઓએ છરીની અણીએ સુજલનાં હાથમાંથી 5 લાખની કિમંતનું સોનાનું ડાયમંડવાળું કડુ કઢાવીને લઈ લીધું હતું. આ દરમ્યાન ધ્રુવી ગાડીમાં જઈને બેસી ગઈ હતી. જેનાં ગળામાંથી પણ સોનાની ચેઇન કઢાવી લઈ લૂંટારૃઓએ ગાડીની ચાવી લઈને બાઈક ઉપર ફરાર થઈ ગયા હતા અને થોડેક આગળ જઈ ગાડીની ચાવી નીચે ફેંકી કુલ રૂ. 7.40 લાખના દાગીનાની સનસનાટીભરી લૂંટ કરી નાસી ગયા હતા.જોકે, ધ્રુવીએ તકનો લાભ ઉઠાવી બંને લૂંટારુનો મોબાઇલમાં ફોટો પાડી લીધો હતો. આ ઘટનાથી ફફડી ઉઠેલા સુજલ - ધ્રુવીએ ફોન કરીને પરિવારજનોને સઘળી હકીકત વર્ણવી હતી. આ અંગે અડાલજ પોલીસે બાઈક સવાર લૂંટારુઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી આસપાસના વિસ્તારમાં સીસીટીવી કેમેરા સ્કેન કરવાનું આરંભી વધુ તપાસ હાથ ધરી છે.
73