પોક્સો કેસમાં કાનૂની કાર્યવાહી હાઈકોર્ટે રદ કરી

17 વર્ષ અને 5 મહિનાની સગીરાને ભગાડી જવાના ગુન્હામાં 21 વર્ષીય આરોપી સામે ફરિયાદ નોંધાઈ હતી. સગીરાના પિતાએ ગોધરામાં ફરિયાદ કરી હતી. જેમાં આરોપીની પોલીસે ધરપકડ કરી હતી. આરોપીએ જામીન અરજી કરી હતી, જેને સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી. જોકે, બાદમાં હાઈકોર્ટે જામીન આપ્યા હતા. ત્યારબાદ આરોપીએ કાનૂની કાર્યવાહી રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી.
સગીરાના પિતાએ પંચમહાલના ગોધરા ખાતે આવેલા પોલીસ મથકે IPCની કલમ 363, 366 અને પોક્સો એક્ટની કલમ 12 મુજબ ગુન્હો નોંધાવ્યો હતો. સગીરાની ઉંમર જોતા તપાસ અધિકારીએ ટ્રાયલ કોર્ટમાં ચાર્જશીટ જમા કરાવી હતી. સગીરાએ નિવેદન આપ્યું હતું કે, તે પોતે પોતાની મરજીથી પોતાના પ્રેમી સાથે ભાગી છે. વળી FIR થઇ ત્યારથી તે આરોપી સાથે રહેતી આવી છે. પુખ્ત થતાં તે બંનેએ લગ્ન પણ કરી લીધા હતા. અગાઉ સેશન્સ કોર્ટે આરોપીના જામીન ફગાવ્યા હતા. જો કે, હાઇકોર્ટે આરોપીને જામીન આપ્યા હતા. બાદમાં આરોપીએ પોતાની સામેની કાનૂની કાર્યવાહી રદ્દ કરવા હાઇકોર્ટમાં અરજી કરી હતી.કોર્ટમાં સરકારી વકીલે કહ્યું હતું કે, ઘટના સમયે યુવતી સગીર વયની હતી. જો કે, કોર્ટે નોંધ્યું હતું કે, છોકરી આરોપીને પ્રેમ કરે છે. તે બંનેએ લગ્ન કરી લીધા છે. બંને પોતાનું જીવન શાંતિથી વિતાવી રહ્યા છે. બંનેએ પોતાનું લગ્નનું સર્ટિફિકેટ અને યુવતીની ઉંમરનો પુરાવો કોર્ટ સમક્ષ મૂક્યો હતો. ઉપરાંત યુવતીનું સોગંદનામું કોર્ટ સમક્ષ મૂકાયું હતું. કોર્ટે આરોપી સામેની FIR અને કોર્ટ કાર્યવાહી રદ કરી હતી.

Social