દહેગામમાં જીવલેણ અકસ્માત : મહિલાનું કમકમાટીભર્યું મોત

    દહેગામ શહેરમાં આજે એક જીવલેણ અકસ્માત સર્જાયો હતો. નેહરુ ચોકડથી કપડવંજ રોડ ઉપર પસાર થઈ રહેલ ટ્રેક્ટરના ચાલકે બ્રેક લગાવતા ટ્રેક્ટરની પાછળ આવી રહેલ ટુ-વ્હીલર અકસ્માતનો ભોગ બન્યું હતું. જેના કારણે ટુ-વ્હીલર ચાલક મહિલાના માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા બાદ તેઓનું મોત નિપજ્યું હતું.
  આ અંગે સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર દહેગામ શહેરમાં આવેલ આનંદ રેસીડેન્સી - 2 માં રહેતા સરીતાબેન સતેન્દ્રસિંઘ રાજપૂત ટુ-વ્હીલર લઇ નહેરુ ચોકડથી કપડવંજ રોડ પર થઈ આનંદ રેસીડેન્સી તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન આગળ જઈ રહેલ ટ્રેક્ટરના ચાલકે ખાડો આવી જતા બ્રેક મારી હતી. ઓચિંતા ટ્રેક્ટર ઉભું રહી જતા ટુ-વ્હીલર ટ્રેક્ટરની પાછળ અથાડતા ચાલક સરીતાબેનને માથાના ભાગે ઈજાઓ પહોંચી હતી. બાદમાં તેઓને સારવાર અર્થે શહેરની ખાનગી હોસ્પિટલ લઇ જવામાં આવ્યા બાદ તેઓનું મોત નિપજ્યું હતું. આ અકસ્માત અંગે પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક સરીતાબેન રાજપૂતના પતિ સતેન્દ્રસિંઘ રાજપૂત વર્ષ 2015 થી લિહોડા નજીક આવેલ આદિત્ય પેપર મીલ ખાતે મેનેજર તરીકે ફરજ બજાવતા હોવાથી તેઓ દહેગામ ખાતે પત્નિ અને બે સંતાનો સાથે રહે છે. મૂળ આ પરિવાર ઉત્તર પ્રદેશનો રહેવાસી છે. આકસ્મિક મહિલાના મોતથી બે સંતાનોએ માતાની છત્રછાયા ગુમાવી છે.
Social