કાલુપુર રેલ્વે સ્ટેશન બહાર બિહારના યુવકને અજાણ્યા શખ્સે પાણી પીવડાવી બેભાન કરીને લૂંટી લીધો

કાલુપુર રેલ્વે સ્ટેશને બિહારનો યુવક ટિકીટબારી પર પૂછપરછ કરવા ગયો હતો. ત્યાં તેને અજાણ્યો શખ્સ મળ્યો હતો અને વાતોમાં ભોળવીને પાણી પીવડાવવા માટે બહાર લઇ જઇને પાણી પીવડાવી બેભાન કરીને યુવકને લૂંટી લીધો હતો. આ અંગે યુવકને હોશ આવતા તેને અમદાવાદ રેલ્વે સ્ટેશન પોલીસ સ્ટેશનમાં અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
બિહારમાં રહેતા બિચુકુમાર યાદવ મજૂરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 17 એપ્રિલે તેઓ રાજકોટથી પોરબંદર એક્સપ્રેસ ટ્રેનમાં બેસીને અમદાવાદ આવ્યા હતા. ત્યારબાદ તેમને બિહાર જવાનું હોવાથી ટિકીટબારી પર પૂછપરછ કરવા ગયા હતા. ત્યાં તેમને અજાણ્યો શખ્સ મળ્યો હતો. શખ્સે બિચુકુમારને વાતોમાં ભોળવીને બહાર પાણી પીવડાવવા લઇ ગયો હતો. જે બાદ શખ્સે પાણી પીવડાવતા બિચુકુમાર રેલ્વે સ્ટેશન બહાર રોડ પર બેભાન થઇ જતા ત્યાં સૂઇ ગયા હતા. જે બાદ શખ્સે રોકડા રૂ. 15 હજાર, મોબાઇલ ફોન અને એટીએમ કાર્ડ લઇને તેમાંથી રૂ. 1.25 લાખ ઉપાડી લીધા હતા. આમ શખ્સ કુલ રૂ. 1.57 લાખનો મુદ્દામાલ લઇને ફરાર થઇ ગયો હતો. જે બાદ બિચુકુમાર ભાનમાં આવતા તેમને તપાસ કરતા બધો સામાન ગુમ હતો. આ અંગે બિચુકુમારે અજાણ્યા શખ્સ સામે અમદાવાદ રેલ્વે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Social