કોટડામાં રૂ. 50 આપવાની ના પાડતા ચાર શખ્સોએ યુવકને ચપ્પુના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો

શહેર કોટડામાં બે શખ્સોએ યુવક પાસે રૂ. 50ની માંગણી કરી પરંતુ યુવકે ના આપતા ચાર શખ્સોએ ભેગા મળીને યુવકને ચપ્પુના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવક રૂપિયા ગણતો-ગણતો ઘર તરફ જઇ રહ્યો હતો. ત્યારે મિત્રો મળ્યા હતા અને ઝઘડો થયો હતો. આ અંગે યુવકે ચારેય શખ્સો સામે શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં હત્યાના પ્રયાસનો ગુનો નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
મેમ્કો પાસે રહેતા અર્જુન પટણી ફ્રુટની લારી ધરાવી ધંધો કરે છે. ગત 22 એપ્રિલે તેઓ લારી લઇને ધંધો કરવા નરોડા પાટિયા પાસે ગયો હતો. બાદમાં સાંજના સમયે તેઓ ઘરે આવીને ચા-નાસ્તો કરીને પાન પાર્લર પર મસાલો ખાવા ગયો હતો. બાદમાં રૂપિયા ગણતા -ગણતા તે ઘરે જતો હતો તે સમયે રસ્તામાં મિત્ર કુણાલ અને બબલુ નાડિયાએ અર્જુન પાસે રૂ. 50ની માંગણી કરી હતી. પરંતુ અર્જુને આ ધંધાના રૂપિયા છે કહીને આપવાની ના પાડી હતી. જેથી બંને શખ્સોએ અર્જુન સાથે મસ્તી કરવા લાગ્યા હતા. પરંતુ મસ્તી કરવાની ના પાડતા બંને શખ્સોએ ચપ્પુ વડે અર્જુન પર હુમલો કરીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન બંને શખ્સોના બીજા બે મિત્રોએ આવીને અર્જુનને માર માર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થતા ચારેય શખ્સો એક્ટિવા પર બેસીને નાસી ગયા હતા. તેમજ ઇજાગ્રસ્ત અર્જુનને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે અર્જુને શહેર કોટડા પોલીસ સ્ટેશનમાં ચાર શખ્સો સામે હત્યાનો પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે.

Social