ઉનાળું વેકેશન: બાળકો માટે જીવનના નવા આયામો આંબવાનો ઉત્તમ અવસર

એપ્રિલ માસની શરૂઆતથી જ સમગ્ર ગુજરાતમાં ઉનાળો તેના પ્રાકૃતિક સ્વભાવ મુજબની કાળઝાળ ગરમીનો અહેસાસ કરાવી રહ્યો છે; ત્યારે ગુજરાત સરકારના શિક્ષણ વિભાગે ૬ મે થી ૯ જુન સુધી શાળાઓમાં ઉનાળું વેકેશન જાહેર કર્યું છે. આખું વર્ષ શિક્ષણકાર્યમાં ઓતપ્રોત રહ્યા બાદ બાળકોને ૩૫ દિવસ સુધી અધિકૃત રીતે શિક્ષણકાર્ય અને શાળામાંથી મુક્તિ મળશે. મે માસના વેકેશનના આ સમયગાળામાં અનેક બાળકો મામા- માસીના ઘરે કે વતનમાં બા-દાદાના ઘરે જતા હોય છે અને માટે જ ઘણીવાર મે માસને “મામા-માસીના મહિના”ના હુલામણા નામે પણ ઓળખવામાં આવે છે. તો આજે થોડી વાતો ઉનાળું વેકેશન અને “મામા-માસીના મહિના” વિષે.
સતત સ્પર્ધાના ત્રાજવે તોલતી સાંપ્રત શિક્ષણ વ્યવસ્થામાં મહદઅંશે બાળકોના જીવન ઘર થી શાળા અને ટ્યુશન ક્લાસ (જેને માટે આજકાલ કોચિંગ શબ્દ પ્રચલિત થયો છે) પૂરતા માર્યાદિત અને યંત્રવત બની ગયા છે. તેમાં પણ મોબાઈલ અને ઇન્ટરનેટના વધતા જતા ઉપયોગને કારણે ઘરની બહાર જઈને શારીરિક શ્રમ થાય તેવી રમતો રમતા બાળકો હવે જવ્વલે જ જોવા મળે છે. ઘણીવાર બાળક ઘરની બહાર જઈને તેના મિત્રો સાથે રમતો રમવા ઈચ્છતા હોવા છતાં માં-બાપ દ્વારા ઉભું કરવામાં આવેલું અભ્યાસ માટેનું દબાણ બાળકોને ઘર પુરતું સિમિત રહેવા માટે મજબૂર કરી દેતું હોય છે. ધોરણ ૯ અને ૧૧ ની પરીક્ષા આપેલ બાળકોને આગામી વર્ષે ધોરણ ૧૦ અને ૧૨ ની તૈયારી કરવાની હોય તેવી સ્થિતિમાં વેકેશનમાં જ શાળા અને ટ્યુશનનો અભ્યાસ શરુ થઇ જાય તે વાત અમુક અંશે સમજી શકાય તેમ છે. પરંતુ હવે તો મોટા ભાગની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા તમામ બાળકોને ઉનાળું વેકેશનના નામે એકાદ અઠવાડિયાની રજા આપીને તરત જ રાબેતા મુજબ શૈક્ષણિક કાર્ય શરુ કરી દેવામાં આવતું હોય છે. સાથેસાથે તેઓ આમ કરવાનું ગર્વ લેતા હોય છે કે અમારી શાળામાં વેકેશન દરમિયાન પણ શિક્ષણ કાર્ય ચાલુ જ હોય છે. તો કેટલાક વાલીઓ પણ તેમના બાળકોને હોંશભેર ઉનાળું વેકેશન દરમિયાન શાળા અને ટ્યુશન ક્લાસમાં મોકલતા હોય છે. આ સ્થિતિમાં બાળકો માટે ઉનાળું વેકેશન શા માટે જરૂરી છે તે સમજવું ખૂબ જ જરૂરી બની જાય છે.
બાળકના સર્વાંગી વિકાસ માટે વેકેશનનું આગવું મહત્વ છે. બાળ અધિકારો મુજબ દરેક બાળકને શિક્ષણ મળે અને દરેક વિદ્યાર્થીને વેકેશન મળે તે તેના વિકાસના અધિકારનો હિસ્સો છે. વર્ષ દરમિયાન ચાલતા સતત શૈક્ષણિક અભ્યાસના કાર્યમાંથી વેકેશન દરમિયાન મળતી રાહત બાળકના માનસિક અને શારીરિક સ્વાસ્થ્યને તંદુરસ્ત રાખવા માટે ખુબ જ જરૂરી છે. વેકેશન દરમિયાન બાળકો ઘર બહારની રમતો થકી તેમના માનસિક અને શારીરિક સ્વાસ્થયને તો મજબૂત કરે જ છે તેની સાથેસાથે નવા મિત્રો સાથે તેમના સંબંધો કેળવાય છે. નવી નવી રમતો થકી બાળકોમાં અજાણતા જ સમસ્યા સમાધાન, રચનાત્મક વિચારશીલતા, યોગ્ય અને અયોગ્યની પરખ અને નિર્ણય લેવાની ક્ષમતામાં વધારો થાય છે. મામા-માસીના ઘરે કે અન્ય કોઈ સગાં સંબધીને ત્યાં વેકેશનની રજાઓ માણવા જતા બાળકોને નવા વાતાવરણનો અહેસાસ થાય છે. સાથેસાથે આ સ્થિતિમાં બાળકો નવા મિત્રો સાથેની ચર્ચાઓમાં કોઈ ચોક્કસ વિષય કે બાબતને લઈને અલગ અલગ દ્રષ્ટિકોણને માન આપતા તથા પોતાના મતને મિત્રો સમક્ષ યોગ્ય રીતે રજૂ કરતા શીખે છે.
અગાઉ ઉલ્લેખ કર્યો તેમ ઉનાળું વેકેશન દરમિયાન બાળકો સગાં સંબંધીઓ અને તેમાં પણ ખાસ કરીને મામા-માસીના ઘરે કે વતનમાં રાજાઓનો મજા માણવા જતા હોય છે ત્યારે આ સ્થિતિમાં બાળકો પરિવારના અન્ય સભ્યો સાથે આત્મીયતા કેળવતા થાય છે. જેના પરિણામ સ્વરૂપે બાળકો અને પરિવારના સભ્યો વચ્ચેનો પારસ્પરિક સંબંધ મજબૂત બને છે. ખાસ કરીને કિશોરાવસ્થાના બાળકો ઘણીવાર કેટલીક વાતો કે તેમના મનની મૂંઝવણો અંગેની ચર્ચા માતા પિતા સાથે કરવામાં શરમ સંકોચ અનુભવતા હોય તેવી સ્થિતિમાં આ પ્રકારની ચર્ચા વેકેશન દરમિયાન બાળકો તેમના જ પરિવારના અન્ય સમવયસ્કો કે પિતરાઈઓ સાથે ખુલ્લા મને કરી મનનો ભાર હળવો કરતા હોય છે.
ઉનાળું વેકેશન બાળકો માટે પોતાના શોખને વિકસાવવામાં પણ મદદરૂપ સાબિત થતું હોય છે. રમતગમતમાં રસ ધરાવતા બાળકોને જે તે રમતના કોચિંગ ક્લાસમાં મોકલી શકાય, વાંચન-લેખનમાં રસ ધરાવતા બાળકોને સામયિકો, વર્તમાનપત્રો વાંચવાનો શોખ કેળવવામાં મદદરૂપ થઇ શકાય. પુસ્તકાલય અને લેખક કે કવિ સાથેની મુલાકાત પણ કરાવી શકાય, સેવાના કાર્યોમાં રસ દાખવતા બાળકોને સ્વૈચ્છિક સંસ્થાઓમાં સ્વયં સેવક તરીકે જોડી શ્રમદાનનું મહત્વ સમજાવી શકાય છે. ફોટોગ્રાફી, સંગીત, નૃત્ય અને ચિત્રકળામાં રસ ધરાવતા બાળકોને આ અંગેના તાલીમ કાર્યક્રમો સાથે સાંકળી શકાય છે. વિજ્ઞાનમાં રસ ધરાવતા બાળકોને સાયન્સ સીટી અને જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્રની મુલાકાતે લઇ જઈ શકાય. તો પર્યાવરણ અને કુદરત સાથે બાળકોનું તાદાત્મ્ય કેળવવા માટે જંગલ, અભ્યારણ, નદી, સમુદ્ર, સરોવર અને પર્વતારોહણના પ્રવાસ અર્થે લઇ જઈ શકાય. ભાષા, સંસ્કૃતિ તથા ઐતિહાસિક અને ધાર્મિક વારસાની સમજણ કેળવવા બાળકોને વેકેશન દરમિયાન અલગ અલગ હેરિટેજ સ્થળો અને સ્થાપત્યોની મુલાકાતે લઇ જઈ શકાય છે. ઘરકામ અને રસોઈકામ માં રસ દાખવતા બાળકોને ઘરની સાફ-સફાઈ અને રસોઈ બનાવતા શીખવી શકાય.
આમ જોવા જઈએ તો ખરેખર વેકેશન દરમિયાન કરવામાં આવતી જુદી જુદી પ્રવૃત્તિ થકી ખૂબ જ સરળતાથી જાણી શકાય કે બાળક કયા વિષયના અભ્યાસમાં વધુ રૂચી ધરાવે છે અને તે મુજબ તેના આગામી શિક્ષણ અંગેનું આયોજન કરી શકાય છે. માટે, આપણે સૌએ બાળકોને ઉનાળું વેકેશન દરમિયાન શૈક્ષણિક બોજ નહિ આપતા; રમતોની મોજ કરાવી ખરા અર્થમાં તેમના જીવનમાં નવા આયામો આંબવાના અવસર પ્રદાન કરવા જોઈએ.
અંતમાં વેકેશનની મજા દર્શાવતી ગીતકાર અરવિંદ શેઠની રચના,
આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા
રજાની મજા, મજાની રજા, રજાની મજા
સાથે ભેરુઓની ટોળી
સાથે સખીઓની જોડી
એ તો ડુંગર ઉપર દોડી
ઉપર ટોચે જઇને લાગી દુનિયા જોવા
જો જો મમ્મી તો બોલાવે,પાછળ પપ્પાને દોડાવે
તો પણ આવીશ નહીં હું હાથમાં
અમે તો મુંબઇ જવાના
અને ચોપાટી ફરવાના
ભેળપૂરી ખાવાના
આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના
આખો દરિયો ડોળીને દૂર દેશ જવાના
દૂર દેશ જઇ ભારતના ગુણ ગાવાના
આહા આવ્યું વેકેશન, જુઓ રજાની મજા
શું શું લાવ્યું વેકેશન, આવી મજાની રજા…

Social