ભુલાભાઇ ચાર રસ્તા પાસેથી બે નકલી પોલીસે યુવકનું અપહરણ કરીને ડરાવીને રૂ. 80 હજાર પડાવ્યા

કાગડાપીઠમાં ભુલાભાઇ ચાર રસ્તા પાસે બે શખ્સોએ યુવકને તમે આજુબાજુ છોકરીઓ જોવો છો પેલી છોકરી સાથે તમારે શુ સંબંધ છે કહીને નકલી પોલીસ બનીને આવેલા બંને શખ્સોએ યુવકનું અપહરણ કરીને એટીએમથી અને ઓનલાઇન રૂપિયા ટ્રાન્સફર કરાવડાવી યુવક પાસેથી કુલ રૂ. 80 હજાર પડાવી લીધા હતા. તેમજ તમારે પોલીસ સ્ટેશન અને જેલમાં ન જવુ હોય તો રૂપિયા આપવા પડશે કહીને યુવકને ડરાવ્યો હતો. બાદમાં યુવકે પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા બંને શખ્સો પોલીસમાં ન હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે યુવકે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે અપહરણ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે.
ઇસનપુરમાં રહેતા 38 વર્ષીય હેમલભાઇ પટેલ શાહીબાગમાં ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ગત 21 એપ્રિલે બપોરના સમયે તેઓ એક્ટિવા લઇને ઘરે જતા હતા. ત્યારે ગીતામંદિર પાસે તેઓ પાણી પીવા ઉભા રહ્યા હતા. તે સમયે તેમની પાસે એક અજાણી મહિલા આવી હતી અને દવાના રૂપિયા માંગ્યા હતા. જેથી હેમલભાઇએ રૂ. 500 આપ્યા હતા. બાદમાં ઘરે જવા નીકળ્યા હતા. ત્યારે ભુલાભાઇ ચાર રસ્તા પાસે એક્સેસ પર બે અજાણ્યા શખ્સો આવ્યા હતા. અને પોતે પોલીસ છે તેવી ઓળખ આપીને હેમલભાઇને તમે આજુબાજુ છોકરીઓ જોવો છો તમારે પોલીસ સ્ટેશન આવવુ પડશે કહીને બંને શખ્સોમાંથી એક શખ્સે જબરદસ્તી હેમલભાઇને એક્ટિવા પર બેસાડીને લઇ જતા હતા. ત્યારે રસ્તામાં શખ્સોએ પોલીસ સ્ટેશન તથા જેલમાં ન જવુ હોય તો રૂપિયા આપવા પડશે તેમ કહેતા હેમલભાઇ ગભરાઇ ગયા હતા. બાદમાં બંને શખ્સોએ હેમલભાઇને ચંદ્રનગર ચાર રસ્તા પાસે એટીએમમાં લઇ જઇને રૂ. 20 હજાર કઢાવ્યા હતા. તેમજ ચંડોળા તળાવ પાસે પેટ્રોલપંપ પર ડરાવીને રૂ. 60 હજારના ઓનલાઇન ટ્રાન્ઝેક્શન કર્યા હતા. જે બાદ તમને કોઇ તકલીફ નહિ પડે કહીને બંને શખ્સો ત્યાંથી જતા રહ્યા હતા. જે બાદ હેમલભાઇ ઘરે આવ્યા હતા. બાદમાં તેમણે પોલીસ સ્ટેશનમાં તપાસ કરતા બંને શખ્સો પોલીસમાં ન હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે હેમલભાઇએ બંને શખ્સો સામે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અપહરણ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે.

Social