ડ્રગ કેસમાં રાજયના પોલીસવડાની પત્રકાર પરિષદ : આચારસંહિતા દરમિયાન નાર્કોટિક કેસમાં અત્યારસુધીમાં 161 આરોપીની ધરપકડ
ATSનાં સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, ફેક્ટરીમાંથી અંદાજે 25 કિલો સિન્થેટિક ડ્રગ્સ અને રો-મટીરિયલ મળી આવ્યું છે. આ સમગ્ર મામલે ગુજરાત ATSને મહત્ત્વની સફળતા મળી છે અને આ ડ્રગ્સનું કનેક્શન ગુજરાત તથા રાજસ્થાન સુધીના સપ્લાયનું હોવાનું માનવામાં આવે છે. તો બીજી તરફ રાજસ્થાનમાંથી પણ બે ડ્રગ્સ બનાવતી ફેક્ટરી મળી આવતાં હવે ડ્રગ્સનું મેન્યુફેક્ચરિંગનો નવો એંગલ સામે આવી રહ્યો છે. સમગ્ર મામલે DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે હાલ આચારસહિતા અમલમાં છે, જેમાં 161ની નાર્કોટિક કેસમાં આરોપીની અત્યારસુધી ધરપકડ કરવામાં આવ્યા છે. 81 કેસ થયા છે, 3 કરોડનું નાર્કોટિક પકડવામાં આવ્યું છે.
ગુજરાત ATSનાં સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર, રાજસ્થાન અને ગુજરાતમાં કોઈ જગ્યાએ ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું છે. ડ્રગ્સની પ્રોસેસ થઈ રહી છે, પરંતુ એની ચોક્કસ માહિતી ન મળતાં ઘણા સમયથી એને શોધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો હતો. ત્યારે ગાંધીનગર નજીક એક ફેક્ટરીમાં સિન્થેટિક ડ્રગ્સ બનતું હોવાની ચોક્કસ માહિતી મળી હતી. ત્યા રબાદ ગુજરાત ATSની ટીમે દરોડા પાડતાં ત્યાં 25 કિલો જેટલું તૈયાર ડ્રગ્સ મળ્યું હતું.25 કિલો જેટલા માલ સાથે અન્ય ડ્રગ્સ બનાવવાનું રો-મટીરિયલ પણ ત્યાં મળ્યાં છે. આ ફેક્ટરીમાં કેટલા સમયથી ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું અને ક્યાં સપ્લાય કરવાનું હતું એ અંગે ATS આઠેક શખસની અટકાયત કરીને પૂછપરછ કરવામાં આવી રહી છે. ગુજરાત ATS ગાંધીનગર સહિત અન્ય જગ્યાએ પણ ડ્રગ્સ બનતું હોવાની શંકાએ રાજસ્થાનમાં પણ દરોડા કરીને બીજી બે ફેક્ટરી પણ શોધી લીધી હોવાનું જાણવા મળ્યું.
DGP વિકાસ સહાયે જણાવ્યું હતું કે ચૂંટણી સંદર્ભે હાલ આચારસંહિતા અમલમાં છે. હાલ અલગ અલગ પ્રકારની કામગીરી કરવામાં આવી છે, જેમાં કેફી દ્રવ્યોની કામગીરીમાં ભાર મૂકવામાં આવ્યો છે. નાર્કોટિક કેસમાં અત્યારસુધીમાં 161 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. કુલ 81 કેસ થયા છે અને 3 કરોડનું નાર્કોટિક પકડવામાં આવ્યું છે. આજે કરવામાં આવેલા કેસની દોઢ મહિના પહેલાં માહિતી મળી હતી. આ માહિતી હ્યુમન ઇન્ટેલિજન્સથી ડેવલપ કરવામાં આવી હતી. અમદાવાદના થલતેજમાં રહેતા અને ગાંધીનગરનો એક શખસ રો-મટીરિયલ ભેગું કરી રહ્યો હતો. એ રો-મટીરિયલથી ડ્રગ્સ બનાવવામાં આવી રહ્યું હતું. કુલ 4 જગ્યાએ દરોડા કરવામાં આવ્યા હતા. NCB સાથે હતી.
