શાહીબાગમાં મોડી રાત્રે હોટલ પાસે યુવકની 12 તોલા સોનાની ચેઇન લૂંટી ત્રણ શખ્સો ફરાર

શાહિબાગ વિસ્તારમાં આવેલ હોટલમાં ત્રણ મિત્રો જમવા માટે ગયા હતા. જમ્યા બાદ બે મિત્રો ઘરે જતા રહ્યાં હતાં. જ્યારે મોડી રાત્રી સુધી એક મિત્ર ત્યાં રોકાયો હતો. આ સમયે ત્રણ શખ્સો આવ્યા હતા અને યુવકની 12 તોલાની સોનાની ચેઇન લૂંટી પલાયન થઇ ગયા હતા. આ અંગે શાહિબાગ પોલીસે ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ શરૂ કરી છે.
વસ્ત્રાલ વિસ્તારમાં 39 વર્ષિય મનોજસિંહ ઉદલસિંહ ચૌહાણ પરિવાર સાથે રહે છે અને ઘરેથી કોન્ટ્રક્ટ મેળવી લેબરનું કામ કરે છે. ગઇકાલે મનોજસિંહ પોતાના મિત્ર રાજનસિંહ અને યોગેશ શાહિબાગ ખાતે આવેલ સિમરન હોટલમાં જમવા માટે ગયા હતા. રાત્રે 11 વાગ્યે જમી ત્રણે મિત્રો છુટા પડ્યા હતા. જેથી રાજનસિંહ અને યોગેશ ત્યાંથી નિકળી ગયા હતા. જ્યારે મનોજ હોટલ પાસે સિક્યુરીટીની ખુરશી પર બેઠો હતો. રાત્રે 12 વાગ્યે તે હોટલની આગળ રોડ પર જઇ ઉભો હતો. ત્યારે ત્રણ અજાણ્યા શખ્સો આવ્યા હતા અને બોલચાલ શરૂ કરી હતી. આ દરમ્યાન એક શખ્સે મનોજે પહેરેલી 12 તોલાની ચેન તોડી લીધી હતી. ત્યારબાદ તમામ લોકો ત્યાંથી ભાગી ગયા હતા. જેથી મનોજ પણ તેમની પાછળ ભાગ્યો હતો. આ સમયે બુમાબુમ થતા આસપાસના લોકો પણ આવી ગયા હતા. જો કે, ત્યાં સુધી ત્રણે શખ્સો પલાયન થઇ ગયા હતા. આ અંગે મનોજસિંહે ત્રણ અજાણ્યા શખ્સો સામે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આસપાસના વિસ્તારના સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ આદરી છે.

Social