સીંગરવામાં ટ્રસ્ટમાં આશ્રિત મહિલાના મોત બાદ હરિયાણાના શખ્સે એકાઉન્ટમાંથી રૂ. 21.16 લાખ ઉપાડી ઠગાઇ આચરી

સીંગરવામાં આવેલ ખુશરાજી સિનિયર સિટીઝન કેર એન્ડ રીચર્સ સેન્ટરમાં આશ્રિત મહિલાને કેન્સરની બિમારી હોવાથી હરિયાણાનો સેવાધારી શખ્સ તેમની સારસંભાળ રાખતો હતો. ત્યારે મહિલાએ પોતાની સારવાર માટે રૂપિયાની જરૂર પડતા બેન્કનું કામ શખ્સને સોંપ્યુ હતુ. પરંતુ શખ્સે મહિલાના મોત બાદ બેન્કમાંથી બારોબાર રૂ. 21.16 લાખ ટ્રાન્સફર કરીને ઠગાઇ આચરી હતી. આ અંગે ટ્રસ્ટના મેનેજરે શખ્સ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.
સીંગરવામાં રહેતા ઇશીતાબેન કોન્ટ્રાક્ટર વર્લ્ડ રીન્યુઅલ સ્પીરીચ્યુઅલ ટ્રસ્ટ દ્વારા સંચાલીત ખુશરાજી સિનિયર સિટીઝન કેર એન્ડ રીચર્સ સેન્ટરમાં મેનેજર તરીકે નોકરી કરે છે. ટ્રસ્ટની સંચાલન કરવાની જવાબદારી પ્રજાપિતા બ્રહ્માકુમારી સંસ્થાને સોંપેલ છે. તેમજ ટ્રસ્ટમાં હરિયાણાના અંબાલાનો પાર્થ ક્રિષ્ન ગ્રોવર સ્વંયસેવક તરીકે એક વર્ષ અગાઉ જોડાયો હતો. પરંતુ તે બાદ તેને પગાર પણ ચૂકવવામાં આવતો હતો. તેમજ સંસ્થામાં આશ્રીત તરીકે રક્ષાબેન ગાંધી હતા. પરંતુ તેમને કેન્સરની બિમારી થતા તેમને હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. ત્યારે પાર્થ તેમની દેખરેખ રાખતો હતો. તેમજ રક્ષાબેને પોતાની મિલ્કત બાબતે વીલ બનાવ્યુ હતુ. જે મિલ્કતો ટ્રસ્ટના નામે કરી હતી. ત્યારબાદ રક્ષાબેનનું મોત નિપજ્યુ હતુ. બાદમાં પાર્થ પોતાના ગામડે ગયો હતો અને પરત આવ્યો ત્યારે પોતાના માતા-પિતાને સાથે લઇને આવ્યો હતો. અને રક્ષાબેનના મોત બાદ તેના વર્તનમાં ફેરફાર દેખાયો હતો. જેથી ઇશીતાબેનને શંકા જતા પાર્થને પૂછવા જતા તે ટ્રસ્ટની દિવાલ કૂદીને નાસી ગયો હતો. જે બાદ રક્ષાબેનના રૂમમાં તપાસ કરતા પાસબુક મળી આવી હતી. તેમાં તેમના મૃત્યુ બાદ પાર્થે 21.16 લાખ રૂપિયા એકાઉન્ટમાંથી ઉપાડી લીધા હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે ઇશીતાબેને પાર્થ સામે ઓઢવ પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોધાવી છે.

Social