ગાંધીનગરના ગ- 0 બ્રિજ ઉપર અજાણ્યો કાર ચાલક બાઈકને ટક્કર મારી ફરાર, બે મિત્રો પૈકી એકનું સારવાર દરમિયાન મોત
ગાંધીનગરના ગ – 0 બ્રિજ ઉપર અજાણ્યો કાર ચાલક પોતાની કાર પૂરપાટ ઝડપે અને ગફલત ભરી રીતે હંકારીને બાઈકને પાછળથી ટક્કર મારી ફરાર થઈ ગયો હતો. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ બાઇક સવાર બે મિત્રોને ગાંધીનગર સિવિલથી વધુ સારવાર અર્થે અમદાવાદ સિવિલ ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા. જ્યાં એક મિત્રનું સારવાર દરમ્યાન મોત નિપજતા સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અમદાવાદના નરોડા હંસપુરા ખાતે રહેતો જયસિંગ દુલાભાઈ બામણીયાને તેની સાળીનાં દીકરા હજારી ઉર્ફે તુફાન રામાભાઇ મિણાનો ગ – 0 બ્રિજ ઉપર અકસ્માત થયો હોવાની સેકટર 7 પોલીસે ટેલીફોનીક જાણ કરી હતી. આથી જયસિંગ તુરંત ઘરેથી નીકળીને ગાંધીનગર સરખેજ હાઈવે ગ – 0 બ્રિજ ઉપર પહોંચ્યો હતો. અને જોયેલ તો હજારી મિણા (રહે. ગોતા, ધંધો – ડ્રાઇવિંગ) નું બાઈક રોડની બાજુમાં ડિવાઇડર ઉપર પડયું હતું. અને કેટલાક પબ્લિકનાં માણસો એકઠા થઈ ગયા હતા.જેઓની પૂછપરછમાં જાણવા મળેલ કે, બાઈક ઉપર બે વ્યક્તિઓ ગ – 0 બ્રિજ ઉપર થઈ સરગાસણ તરફ જઈ રહ્યા હતા. એ વખતે અજાણ્યા કારના ચાલકે પોતાની કાર પૂરપાટ ઝડપે હંકારી બાઈકને પાછળથી ટક્કર મારી નાસી ગયો હતો. જે ઈજાગ્રસ્ત બાઈક સવારોને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા છે. જેનાં પગલે જયસિંગ સિવિલ દોડી ગયો હતો. જ્યાં તેની સાળીનો દીકરો હજારી ઉર્ફે તુફાન અને તેની સાથેનો અજાણ્યો યુવક બેભાન અવસ્થામાં હતા.
આથી જયસિંગે અજાણ્યા યુવકનો ફોટો પાડીને તેના સાળાને મોકલી આપતા જાણવા મળેલ કે, અજાણ્યા યુવકનું નામ સંજય જીવા આહિર હોવાનું માલુમ પડયું હતું. બન્ને મિત્રો બાઈકની નંબર પ્લેટ નખાવવા માટે ડૂંગળપુર જવા માટે સાળાનાં ઘરેથી નિકળ્યા હતા. અને અકસ્માત સર્જાયો હતો. ત્યારે સિવિલમાં પ્રાથમિક સારવાર કરીને બંને મિત્રોને અમદાવાદ સિવિલ ટ્રાન્સ્ફર કરવામાં આવ્યા હતા. જ્યાં સંજય જીવા આહિરનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ અંગે સેકટર – 7 પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
