મધદરિયે ડ્રગ્સ માફીયાઓની કમર તોડી : 2 આરોપીઓને 173 કિલોથી વધુના હેરોઈન સાથે પકડી પાડયા
ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટ ગાર્ડ દ્વારા ફરી દરિયામાં જઈ ડ્રગ માફીયાઓની કમર તોડી દેવામાં આવી છે. દરિયામાંથી 2 આરોપીઓને 173 કિલોથી વધુના હેરોઈન સાથે પકડી લેવામાં આવ્યા છે અને તપાસ શરૂ કરવામાં આવી છે. જેની કિંમત 1200 કરોડ રૂપિયા જેટલી હોવાનું મનાય છે. મહત્વનું છે કે, મળતી માહિતી પ્રમાણે આ બન્ને આરોપીઓ પાકિસ્તાન જઈને ડ્રગ લાવતા હતા.
રવિવારે પણ ગુજરાત એટીએસ, એનસીબી અને કોસ્ટ ગાર્ડને ફરી એક મોટી સફળતા હાથ લાગી હતી. ત્રણેય ટીમ દ્વારા સંયુક્ત ઓપરેશન કરીને પોરબંદર દરિયામાંથી પાકિસ્તાની બોટ અલ રઝા કબ્જે કરીને 14 પાકિસ્તાનીઓની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી 86 કિલો હેરોઈન જેની કિંમત 600 કરોડ થાય તે કબ્જે કરવામાં આવ્યું હતું.પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે, આ ડ્રગ તમિલનાડુ થઇને શ્રીલંકા જવાનું હતું પરંતુ ગુજરાત એટીએસના અધિકારીઓને મજબૂત માહિતી મળી હતી. જેથી એક મોટો ડ્રગ રેકેટનો પર્દાફાશ થયો છે. આ ડ્રગ પાકિસ્તાનથી હાજી અસલમ નામનો આરોપી શ્રીલંકાના ડ્રગ માફિયાને મોકલી રહ્યો હતો.નોંધનીય છે કે, આરોપીઓ દ્વારા પોલીસ બોટને નુકસાન કરવાની કોશિશ કરવામાં આવી રહી હતી. જેથી ભારતીય ટીમ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હતું. જેમાં એક વ્યક્તિને ઇજા થઈ છે. જોકે આ સિવાય 3 જેટલા પેકેટ આરોપીઓ દ્વારા દરિયામાં ફેંકી દેવાની ઘટના પણ સામે આવી હતી. નોંધનીય છે કે, છેલ્લા 3 દિવસમાં 2000 કરોડથી વધુનો ડ્રગ એટીએસ દ્વારા પકડી પાડવામાં આવ્યું છે.
54