નંબર પ્લેટ વિનાની કાળા કાચવાળી પોલીસ લખેલી ગાડીઓ સામે કાર્યવાહી કરવા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચનો આદેશ

ગાંધીનગરમાં નંબર પ્લેટ વિનાની અને કાળા કાચ લગાવેલી ગાડીઓ વધારે પ્રમાણમાં જોવા મળે છે. આવી મોટાભાગની ગાડી પર પોલીસ લખેલી પ્લેટ લગાવેલી જોવા મળે છે. પોલીસ સ્ટાફની કાર હોવાથી પોલીસ કોઇ કાર્યવાહી કરતી નથી અને નંબર પ્લેટ નહીં હોવાથી સીસીટીવીમાં પકડાય તો પણ તે કારની માલિકી શોધી શકાતી નથી. આ મામલે સચિવાલયના નાયબ સેક્શન અધિકારીએ પત્ર લખતા સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઇજીએ ગાંધીનગર સહિત તમામ જિલ્લા અને મહાનગરોના પોલીસ અધિકારીઓને આવી કાર સામે તાત્કાલિક પગલાં લેવા લેખિત આદેશ કર્યા છે.
નાયબ સેક્શન અધિકારી અજય પટેલે પત્રમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે આ પ્રકારની કાર સચિવાલયમાં પણ ફરે છે જેથી સચિવાલય સંકુલમાં ફરજ બજાવતા અધિકારી- કર્મચારીઓની સુરક્ષા જોખમાય છે. આ પ્રકારે નિયમો વિરૂદ્ધ કાર ચલાવતા લોકોને પકડીને કાયદેસરની કાર્યવાહી થવી જોઇએ.સ્ટેટ ટ્રાફિક બ્રાન્ચના આઇજીએ સચિવાલયના નાયબ સેક્શન અધિકારીના પત્રને ગંભીરતાથી લઇને અને તેમાં સચિવાલયનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાથી ગાંધીનગર જિલ્લા પોલીસ વડાને નિયમાનુસાર કાર્યવાહી કરવા અને કરેલી કાર્યવાહીનો રીપોર્ટ મોકલવા સૂચના આપવામાં આવી છે.

Social