અમદાવાદમાં દારૂડિયા પતિના ત્રાસથી કંટાળીને નદીમાં ઝંપલાવી એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો

    દારૂડિયા પતિના ત્રાસથી કંટાળીને અમદાવાદની સાબરમતી નદીમાં ઝંપલાવી એક જ પરિવારના 4 સભ્યોએ આપઘાતનો પ્રયાસ કર્યો હોવાની ઘટની સોમવારે બની હતી. જે મામલે એલીસબ્રિજ પોલીસ મથકે ગુનો દાખલ કરવામાં આવ્યો.
   આંબેડકર બ્રિજ પાસે નદીમાં પડતું મુકીને 4 લોકોએ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાંથી આસપાસના લોકોએ બે વ્યક્તિને બચાવી લીધા હતા. જ્યારે ફાયર રેસ્ક્યુ ટીમે અન્ય બે લોકોને નદીમાંથી રેસ્ક્યુ કરી બચાવ્યા હતા. તમામને રેસ્ક્યુ કરીને પોલીસે તપાસ કરતા સેટેલાઈટ વિસ્તારમાં રહેતા રિનાબેન ચાવડા, તેઓના માતા ચંપાબેન જાદવ, ભાઈ રાહુલ જાદવ અને 6 વર્ષનો પુત્ર તમામે જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેની પાછળનું કારણ રિનાબેનનો પતિ નવિનચંદ્ર ચાવડા છે. જે લગ્ન બાદથી જ રિનાના પિયરમાં રહેતો અને દારૂ પીને સતત ત્રાસ આપતો અને મારઝૂડ કરતો હતો. અગાઉ તેની સામે ઘરેલુ હિંસાની પણ ફરિયાદ ચાંદખેડા પોલીસ મથકે નોંધાઈ હતી. તેઓના પતિ સામે અગાઉ વિરમગામ પોલીસ મથકે હત્યાનો ગુનો પણ નોંધાયો હતો અને તેના ત્રાસથી કંટાળીને રિનાબેનના પિતાનું પણ મોત થયુ હતું. પતિના કારણે રિનાબેનના માતા અને ભાઈ પણ કંટાળી ગયા હોય તેઓ તમામ 28મી એપ્રિલના રોજ આપધાત માટે સાબરમતી નદી પહોંચ્યા હતા. જોકે ભીડ વધુ હોવાથી આપઘાત કરવાનું ટાળ્યુ હતુ અને બીજા દિવસે નદીમાં ઝંપલાવ્યુ હતું. આ મામલે એલીસબ્રિજ પોલીસ મથકે ઘરેલુ હિંસા સહિતની કલમો હેઠળ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી.
Social