નરોડામાં મહિલાને નોકરી આપવાના બહાને બોલાવી શખ્સે કેફી પીણુ પીવડાવી બેભાન કરીને દુષ્કર્મ આચર્યુ

નરોડામાં રાજસ્થાનની યુવતીને નોકરીના બહાને હોટલમાં બોલાવ્યા બાદ શખ્સે કોલ્ડ ડ્રિંગ્સમાં કંઇક નાખીને પીવડાવતા બેભાન થઇ ગઇ હતી. ત્યારબાદ શખ્સે તેની પર દુષ્કર્મ આટર્યુ હતુ. મહિલા ભાનમાં આવી ત્યારે શખ્સે તેને ધમકી આપી હતી. આ અંગે મહિલાએ નરોડા પોલીસ સ્ટેશનમાં શખ્સ સામે દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજસ્થાનના સમીચા ગામમાં રહેતી 25 વર્ષિય યુવતીના લગ્ન રાજસ્થાન ખાતે થયા હતા અને 3 વર્ષની પુત્રી પણ છે. પરંતુ પાંચ મહિનાથી પતિ સાથે મનમેળ ન હોવાથી તે પિયર રહેતી હતી. બે મહિના પહેલાં તેના મોબાઇલમાં મહાવીરસિંગ મનોહરસિંગ સોલંકીએ ફોન કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે, હું રાજસ્થાનનો છું અને અમદાવાદ રહુ છું. તને નોકરીની જરૂરીયાત હોય તો અમદાવાદમાં કરાવી આપીશ. ત્યારબાદ બે મહિનાથી મહાવીરસિંગ તેની સાથે વાત કરતો હતો. આ દરમ્યાન ગત 26 એપ્રિલે યુવતી પોતાની મોટી બહેનના ઘરે વસ્ત્રાપુર રહેવા માટે આવી હતી. જેની જાણ મહાવીરસિંગને કરી હતી.
ત્યારબાદ ગત 27 એપ્રિલે મહાવીરસિંગે સાંજે યુવતીને ફોન કર્યો હતો અને કહ્યું હતું કે, આજે હું ફ્રી છું તમારી નોકરીની વાત કરવી હોય તો રીક્ષા કરી આવી જાવ હું ભાડુ ચુકવી આપીશ. જેથી યુવતી નાના ચિલોડા પેટ્રોલ પંપ પાસે આવી હતી. જ્યાં પહેલાંથી જ મહાવીરસિંગ ગાડીમાં હતા. ત્યારબાદ ગાડીમાં યુવતીને લઇ મહાવીરસિંગ હોટલ લિંકન ઇનમાં ગયો હતો. રૂમમાં બેસાડ્યા બાદ મહાવીરસિંગ કોલ્ડ ડ્રિંગ્સ લેવા ગયો હતો અને બે બોટલ લઇ આવ્યો હતો. જેમાં એક બોટલનું ઢાંકણ થોડુ ખુલ્લું હતું. તે બોટલ યુવતીને આપી હતી. જ્યારે બીજી તેને પોતાની પાસે રાખી હતી. કોલ્ડ ડ્રિંગ્સ પીધાના થોડા જ સમયમાં યુવતી બેભાન થઇ ગઇ હતી. ત્યારબાદ યુવતી જાગી ત્યારે તેનીસાથે દુષ્કર્મ થયો હોવાની જાણ થઇ હતી. જેથી યુવતીએ મહાવીરસિંગને પૂછતા મારી સાથે કેમ આવું કર્યું ત્યારે તેણે જણાવ્યું હતું કે, આ વાત કોઇને કરીશ તો જાનથી મારી નાંખીશ. આ અંગે યુવતીએ મહાવીરસિંગ સામે નરોડા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે.

Social