દાણીલીમડામાં ઓનલાઇન નોકરીની શોધ કરી રહેલા યુવક પાસેથી ગઠિયાઓએ રૂ. 1.70 લાખ પડાવ્યા

દાણીલીમડામાં ઓનલાઇન નોકરીની શોધ કરી રહેલા યુવકને ગઠિયાઓએ હોટલોને રેટીંગ રિવ્યુ આપવાનું કામ આપીને બાદમાં ટ્રેડિંગમાં રોકાણ કરવાથી વધુ રૂપિયા મળશે તેવી લાલચ આપીને કુલ રૂ. 1.70 લાખ પડાવી લીધા હતા. જેમાં શરૂઆતમાં યુવકને નફો અને વળતર સારૂ આપીને ગઠિયાઓએ વિશ્વાસમાં લીધો હતો. આ અંગે યુવકે અજાણ્યા ગઠિયા સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
દાણીલીમડામાં 26 વર્ષીય ફઝલભાઇ ભોડા પરિવાર સાથે રહે છે. તેમજ કોઇ કામધંધો કરતો ન હોવાથી ઓનલાઇન એપ્લીકેશનમાં નોકરીની શોધખોળ કરતા હતા. જેમાં તેને ક્વીકરજોબ્સ જેવી ત્રણ એપ્લીકેશનમાં પાર્ટટાઇમ નોકરી માટે ઓનલાઇન અરજી આપી હતી. ગત 18 ફ્રેબ્રુઆરીએ તેઓ ઘરે હતા ત્યારે અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો તેમાં પાર્ટટાઇમ જોબ માટે જણાવ્યુ હતુ. જે બાદ ગઠિયાએ ટેલીગ્રામ લીંક મોકલી હતી. જેમાં વાત કરતા ગ્રુપમાં એડ થવા બીજી લીંક મોકલી હતી. ત્યારબાદમાં હોટલોને રેટીંગ રીવ્યુ આપવા માટેનું કામ સોપવામાં આવ્યુ હતુ. શરૂઆતમાં યુવકને વિશ્વાસમાં લેવા રૂ. 900 એકાઉન્ટમાં જમા થયા હતા. બાદમાં ટ્રેડિંગમાં રૂપિયાનું રોકાણ કરીને વધુ રૂપિયા કમાવાની લાલચ આપતા યુવકે ટુકડે-ટુકડે કુલ રૂ. 1.70 લાખનું રોકાણ કર્યુ હતુ. જેથી યુવકે ગઠિયા સાથે વાત કરતા વધુ રોકાણ કરશો તો નફા સાથે રૂપિયા પરત મળશે કહેતા યુવકને તેની સાથે છેતરપિંડી થઇ હોવાની જાણ થઇ હતી. આ અંગે યુવકે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં અજાણ્યા ગઠિયા સામે ઠગાઇની ફરિયાદ નોધાવી છે.

Social