કેરટેકરે વૃદ્ધ પાસે મોબાઈલમાં ગૂગલ પે એપ ડાઉનલોડ કરાવી પૈસા પડાવ્યા

અમદાવાદમાં કેરટેકરે 84 વર્ષના વૃદ્ધને ફોસલાવીને તેના મોબાઈલમાં ગૂગલ પે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને તેમના ખાતામાંથી પૈસા પોતાના ખાતામાં ટ્રાન્સફર કરીને ફરાર થઈ ગયો. બેન્કનું સ્ટેટમેન્ટ કઢાવ્યા બાદ આ બાબતની ખબર પડી તો એકાઉન્ટમાંથી ત્રણ લાખથી વધુની રકમ ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ ઘટનાની ફરિયાદ વાડજ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે.
સમીર ભગતે વાડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ભદ્ર ખાતેની કોર્ટમાં સુપ્રિટેન્ડન્ટ તરીકે નોકરી કરે છે. મારા પિતાજી જયંતીલાલ 84 વર્ષની ઉંમરના છે, જેઓ નિવૃત જીવન ગુજારે છે. ગત 19 એપ્રિલે ગાંધીનગર સેક્ટર-22 ખાતે આવેલા ગુરુકૃપા હોમકેરમાંથી મહેશભાઈ જીવણભાઈ નામના છોકરાને મારા પિતાજી જયંતીભાઈની સારસંભાળ માટે કેરટેકર તરીકે દિવસના એક હજાર રૂપિયા પગારથી રાખ્યા હતાં.જેઓ 19 એપ્રિલથી મારા પિતાજીની સારસંભાળ માટે અમારા ઘરે રહેવા આવ્યા હતાં. તેઓ રાત્રે મારા પિતા જોડે રહેતા હતાં. ગત 26 એપ્રિલે સવારના 10 વાગ્યાની આસપાસ કેરટેકર મહેશભાઈ મારી પાસે આવેલા અને મને કહ્યું કે, મારા સસરાનું અવસાન થયું છે, જેથી મારે મારા ઘરે જવુ પડશે એમ કહી નીકળી ગયા હતા. 29 એપ્રિલે મારા પિતાજી જયંતીલાલે મને કહ્યું કે, મારા મોબાઈલ ફોનનું સીમકાર્ડ છેલ્લા ત્રણ દિવસથી બંધ થઈ ગયુ છે.
જે મને ચાલુ કરાવી આપજે એટલે મારા પિતાજીનુ સીમકાર્ડ ચાલુ કરાવી આપ્યું હતું.મારા પિતાજીના ફોન ઉપર બેન્કનો ટેક્સ મેસેજ આવ્યો કે તેમના એકાઉન્ટમાંથી રૂપિયા ડેબિટ થયેલા છે. જેથી, મે મારા પિતાજીના બેન્ક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ કઢાવ્યુ તો જાણવા મળ્યું હતું કે, તેમાંથી યુપીઆઈ આઈડી દ્વારા પૈસા ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. અલગ-અલગ ટ્રાન્ઝેક્શનથી 3,19,840 જેટલા રૂપિયા ડેબિટ થયેલા છે. મારા પિતાજીનો મોબાઈલ ફોન ચેક કરતા જાણવા મળેલ કે, જે મારા પિતાજીની સારસંભાળ રાખવા માટે કેરટેક૨ તરીકે રાખેલા મહેશભાઈએ મારા પિતાજીને વિશ્વાસમાં લઈ મોબાઈલ ફોનમાં ગૂગલ પે એપ્લિકેશન ડાઉનલોડ કરી મારા પિતાજીના બેન્ક એકાઉન્ટની ડિટેઈલ મેળવી ગૂગલ પેથી મારા પિતાજીના એકાઉન્ટમાંથી અલગ-અલગ એકાઉન્ટમાં યુ.પી.આઈ.થી કુલ 3,19,840 રૂપિયા ટ્રાન્સફર કરેલ હોય અને અમારી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરેલ છે.

Social