અમદાવાદ પોલીસ કમિશનરની નવી કચેરી કેવી હશે જાણો

અમદાવાદ પોલીસ ધીમે ધીમે અદ્યતન સુવિધાઓથી સજ્જ બનશે.ત્યારે ગુજરાત પોલીસમા અદ્યતન ટેકનોલોજીનોં ઉપયોગ વધ્યો હોવાનું જોવા મળે છે. હવે અમદાવાદ પોલીસની કમિશ્નર ઓફીસ તમામ સુવિધાઓથી સજ્જ અંદાજિત 100 કરોડના ખર્ચે કાર્યરત થશે. મહત્વની વાત એવી છે કે બિલ્ડિંગ પોલીસ હાઉસિંગ કોર્પોરેશન દ્વારા બનાવવામાં આવ્યું છે, જેમાં ટોપ ફ્લોર પોલીસ કમિશનર માટે અલાયદો રાખવામાં આવ્યો છે. અહીં એકસાથે 3 હજારથી વધુ કાર પાર્કિંગ થઈ શકશે. એ ઉપરાંત વર્લ્ડ ક્લાસ કંટ્રોલ રૂમ તૈયાર કરાશે.
શાહીબાગ પોલીસ હેડ ક્વાર્ટરમાં આવેલા પરેડ ગ્રાઉન્ડમાં આગામી ત્રણ મહિનામાં પોલીસ કમિશનર કચેરીનું નવું મકાન કાર્યરત થઈ જશે, એમ માનવામાં આવી રહ્યું છે. આ પોલીસ કમિશનર કચેરી વિશ્વસ્તરના આર્કિટેક્ટોની ટીમ દ્વારા ડિઝાઇન કરવામાં આવી છે. હાલ આ પોલીસ કમિશનર કચેરી બનાવવા પાછળ 100 કરોડનો અંદાજિત ખર્ચ આંકવામાં આવ્યો છે. આ પોલીસ કમિશનર કચેરીમાં ગ્રાઉન્ડ ફ્લોર અને પહેલો માળ સામાન્ય લોકોની કામગીરી માટે હશે, જેમાં પાસપોર્ટ મંજૂરી મેળવવા માટેની કચેરી તેમજ બીજી પ્રજા ઉપયોગી કચેરીઓ શરૂ કરાશે. આ સમગ્ર પોલીસ કમિશનર કચેરીમાં કુલ 5 કોન્ફરન્સ રૂમ હશે.
બિલ્ડિંગનું કામ આગામી ત્રણ મહિનામાં શરૂ થવાનું છે, જેમાં 3000 કારનું બેઝમેન્ટ પાર્કિંગ પણ હશે, જેમાં લેન્ડસ્કેપ ગાર્ડન, સિક્યોરિટી સિસ્ટમ, વધારાનો કંટ્રોલ રૂમ, સીસીટીવીની સુવિધા હશે. અહીં મુકાનારા સીસીટીવી કેમેરા ઉત્તમ દરજ્જાના હશે, જેનાથી આખું બિલ્ડિંગ કવર થશે. આ બિલ્ડિંગને ગ્રીન ગોલ્ડન રેટિંગ આપવામાં આવશે, જેમાં ટેરેસ ગાર્ડન પણ સામેલ છે. આ હાઇરાઇસ બિલ્ડિંગમાં ઓર્ગેઇન ગેસ ગ્લાસ રાખવામાં આવશે. આખા બિલ્ડિંગમાં નેચરલ સ્ટોન નાખવામાં આવશે તેમજ પાવર બેકઅપની વ્યવસ્થા કરાશે. બિલ્ડિંગના ટોપ પર સોલર પેનલ નાખવામાં આવશે.બિલ્ડિંગમાં બે કાફેટેરિયા મૂકવામાં આવશે,
જેમાં એક પબ્લિક માટે, જ્યારે એક સ્ટાફ માટે હશે. એમા ખાસ કરીને એક શહીદ સ્મારક, એક પોલીસ મ્યુઝિયમ અને પોલીસ કમિશનર કચેરીમાં જવા માટે ત્રણ એન્ટ્રેન્સ પણ હશે. આ સમગ્ર બિલ્ડિંગને સર્વિસ સિક્યોરિટી અને પીસની થીમ પર બનાવવામાં આવશે. સમગ્ર પોલીસ કમિશનર કચેરીમાં અત્યાધુનિક સગવડો માટે નિષ્ણાતોની સલાહ લેવામાં આવી છે. આગામી દિવસમાં પોલીસ કમિશનર કચેરીની નજીકમાં હેલિપેડ બનાવવા માટે પણ વિચારણા કરવામાં આવી રહી છે. હાલ તો આ મેગા પ્રોજેક્ટ માટે પોલીસ હાઉસિંગ કોર્પોરેશનની ટીમે દેશભરની સારામાં સારી પોલીસ કમિશનર કચેરીનું નિરીક્ષણ કર્યું છે, જેમાંથી અમદાવાદ પોલીસ કમિશનર કચેરીનું નિર્માણ સૌથી અદભુત હોય એવું અનુમાન કરવામાં આવી રહ્યું છે.

Social