અમદાવાદ જિલ્લાના ચૂંટણી નિરીક્ષકઓએ લીધી વેબકાસ્ટિંગ કન્ટ્રોલ રૂમની મુલાકાત
ગુજરાતમાં લોકસભાની સામાન્ય ચૂંટણી અંતર્ગત અમદાવાદ જિલ્લામાં ગણતરીના કલાકોમાં જ મતદાન યોજાવા જઈ રહ્યું છે ત્યારે જિલ્લામાં લોકસભા ચૂંટણી મુક્ત, ન્યાયી અને શાંત વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા સર્વગ્રાહી પ્રયાસો હાથ ધરવામાં આવ્યા છે અને ચૂંટણીની સમગ્ર પ્રક્રિયા સુચારુ ઢબે સંપન્ન થાય, એ માટેની તૈયારીઓ લગભગ પૂર્ણ થઈ ચૂકી છે. કલેક્ટર કચેરી ખાતે વેબકાસ્ટિંગ કન્ટ્રોલ રૂમ તૈયાર કરી દેવામાં આવ્યો છે, જેની મુલાકાત અમદાવાદ જિલ્લાના ચૂંટણી નિરીક્ષકઓ દ્વારા લેવામાં આવી હતી. અમદાવાદ જિલ્લામાં સમાવિષ્ટ લોકસભા મતવિસ્તારોના ચૂંટણી ઓબ્ઝર્વર સર્વે વિનયકુમાર, અભિનવ ચંદ્રા, પુનિત યાદવ અને શશિપ્રકાશ જ્હાએ વેબકાસ્ટિંગ કન્ટ્રોલ રૂમની મુલાકાત લઈને આ કન્ટ્રોલ રૂમ કઈ રીતે કાર્યરત રહેશે, એ અંગે જાણકારી મેળવીને પોતાનાં સૂચનો આપીને માર્ગદર્શન પણ પૂરું પાડ્યું હતું.
ચૂંટણી નિરીક્ષકઓની આ મુલાકાતમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર પ્રવીણા ડી.કે. તથા અમદાવાદ પૂર્વના ચૂંટણી અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારી વિદેહ ખરે પણ જોડાયાં હતાં.અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદ જિલ્લામાં કુલ 2741 મતદાન મથકોથી વેબ કાસ્ટિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. આ વેબકાસ્ટિંગનું સતત નિરીક્ષણ કરવા માટે કલેક્ટર કચેરીના કૉન્ફરન્સ હોલ ખાતે 42 ટીવી સ્ક્રીન ગોઠવવામાં આવી છે. વેબકાસ્ટિંગના નિરીક્ષણ માટે 50 જેટલા સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. એસી (વિધાનસભા મતવિસ્તાર) લેવલે વેબ કાસ્ટિંગની કામગીરી સફળ રીતે પાર પડે એ માટે નોડલ ઓફિસરની નિમણૂક પણ કરવામાં આવી છે.ઓબ્ઝર્વર્સની મુલાકાત સમયે નિવાસી અધિક કલેકટર સુધીર પટેલ, અધિક જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ ઠક્કર અને નેહા ગુપ્તા સહિત ચૂંટણી અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

