દાણીલીમડામાં મિત્રે વેપારીની મદદ કરવાના બહાને કુલ રૂ. 8.24 લાખ તેના એકાઉન્ટમાં જમા કરાવી ઠગાઇ આચરી
દાણીલીમડામાં મિત્રએ વેપારીને મદદ કરવાના બહાને રૂપિયા બેન્કમાં જમા કરાવડાવીને કુલ રૂ. 8.24 લાખની ઠગાઇ આચરી હતી. જેમાં વેપારીનું બેન્ક એકાઉન્ટ ફ્રીઝ થયુ હોવાથી મિત્રે તેના ખાતામાં લેવડ-દેવડ કરવા જણાવ્યુ હતુ અને સહિ કરેલ ચેક પણ આપ્યા હતા. પરંતુ વેપારીએ ચેક બેન્કમાં ભરતા રિર્ટન થયો હતો. તેમજ તપાસ કરતા સહિ ખોટી હોવાનું સામે આવ્યુ હતુ. આ અંગે વેપારીએ મિત્ર સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોધાવી છે.
ઇસનપુરમાં રહેતા મોહંમદ ઉવેશ શેખ વોશિંગ મશીન રિપેરીંગનો ધંધો કરે છે. ધંધામાં મંદી આવી હોવાથી તેમને બાઇનાનસ એપ પર યુએસડીટી ટ્રેડિંગનું કામ શરૂ કર્યુ હતુ. તેમજ તેમને ટ્રેડિંગ માટે બેન્કમાં એકાઉન્ટ ખોલાવ્યુ હતુ. ગત 23 માર્ચે તે એકાઉન્ટ કોઇ કારણસર ફ્રીઝ થઇ ગયુ હતુ. જેથી તેમને મિત્ર જુનેદ વોરાને આ અંગે વાત કરતા જુનેદે મારા બેન્ક એકાઉન્ટમાં રૂપિયા જમા કરાવો હું તમને સહિ કરેલ ચેક આપુ છું તમે બારોબાર રૂપિયા ઉપાડી લેજો તેમ કહેતા મોહંમદ ઉવેશે તેમના એકાઉન્ટમાં કુલ રૂ. 8.24 લાખ ટ્રાન્સફર કર્યા હતા. તેના બદલે જુનેદે બે ચેક આપ્યા હતા. જે બાદ મોહંમદ ઉવેશે બેન્કમાં ચેક ભરતા રિર્ટન થયો હતો. જેથી બેન્કમાં તપાસ કરતા ચેકમાં સહિ ખોટી છે. તેમજ એકાઉન્ટમાંથી રૂ. 1 લાખ ઉપડી ગયા છે. જે બાદ જુનેદને ફોન કરતા બંધ આવતો હતો. અને તેની શોધખોળ કરી પરંતુ મળ્યો ન હતો. આ અંગે મોહંમદ ઉવેશે જુનેદ સામે દાણીલીમડા પોલીસ સ્ટેશનમાં ઠગાઇની ફરિયાદ નોધાવી છે.
