સુરતમાં કેનેડા ગયેલા પુત્ર-પુત્રવધૂની નિષ્ઠુરતાએ માતા-પિતાને જીવ ટૂંકાવવા મજબૂર કર્યા, સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી
સુરતમાં પુત્રની નિષ્ઠુરતાના કારણે વૃદ્ધ માતા-પિતાએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. પુત્રને કેનેડા મોકલ્યા બાદ માતા-પિતા સાથે સંપર્ક કાપી નાખતા માતા-પિતાને માઠુ લાગી આવ્યુ અને બંનેએ સજોડે ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા ચકચાર મચી જવા પામી છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ શરૂ કરી છે.
સુરતના સરથાણા વિસ્તારના મીરા એવન્યુમાં રહેતા 66 વર્ષીય ચૂનીભાઈ ભગવાન ગેડિયા અને તેમના 64 વર્ષીય પત્ની મુક્તાબેન તથા સંતાનો સહિતના પરિવાર સાથે રહેતા હતા. વયોવૃદ્ધ હોવાને કારણે ચૂનીભાઈ નિવૃત્ત જીવન જવી રહ્યા હતા, જયારે તેમના બે સંતાન પૈકી સંજય સાડી મોડલિંગનું કામ કરતા હતા, જ્યારે અન્ય પુત્ર પીપૂષ કેનેડામાં રહેતો હતો. આ દરમિયાન ચૂનીભાઈએ શનિવારે સવારે ઘરે રૂમમાં છતના પંખા સાથે દોરી બાંધી પત્ની મુક્તાબેન સાથે ફાંસો ખાઈ લીધો હતો. જેની જાણ પુત્ર સહિતના પરિવારને થતા તમામ લોકો સ્તબ્ધ થઈ ગયા હતા. બંને વૃદ્ધ દંપતીના આપઘાત અંગે સ્થાનિક સરથાણા પોલીસને જાણ કરવામાં આવી હતી. સરથાણા પોલીસની ટીમ આ મામલે સ્થળ પર પહોંચી હતી. સમગ્ર મામલે પોલીસે મૃતક વૃદ્ધ દંપતીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સ્મીમેર હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ બંનેએ આપઘાત કરતા પહેલા સુસાઈડ નોટ લખી હતી. સરથાણા પોલીસે સુસાઈડ નોટના આધારે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. મૃતક ચૂનીભાઈએ 5-7 પાનાની સુસાઈડ નોટ લખી હતી.
ACP વિરલ પટેલે જણાવ્યું કે, દંપતિએ પોતાના ઘરમાં જ આપઘાત કરી લીધા હોવાની ઘટના સામે આવી હતી.આપઘાત પાછળનું મુખ્ય કારણ પુત્રનું માતા-પિતાથી અળગા રહેવું અને પુત્રવધુની ગેરવર્તણૂક હતી. થોડા સમય પહેલા પિયુષને 38 લાખ રૂપિયા જેટલું દેવું થઈ ગયું હતું. જે દેવું તેમના માતા-પિતાએ દાગીના વહેંચીને ચૂકવ્યું હતું. ત્યારબાદ પિયુષને કેનેડા મોકલી વ્યવસાય કરવા માટેની તક આપી હતી. જોકે, પિયુષ કેનેડા ગયો ત્યારબાદ માતા-પિતાને ભૂલી ગયો હતો. ફક્ત એટલું જ નહીં માતા-પિતા સાથે સંબંધ પણ કાપી નાખ્યો હતો.વધુમાં તેમણે જણાવ્યું કે, પીયૂષ એક વાર સુરત આવ્યો ત્યારે પિતાને મળવા પણ આવ્યો નહોતો. હાલમાં સાથે રહેતા પુત્ર અને પુત્રવધુનો આભાર વ્યકત કર્યો હતો. આ સાથે તેમના આપઘાત બાદ તેમની ઉત્તરક્રિયામાં ખર્ચ ન કરવા ભલામણ કરી હતી. આ સાથે જ પીયૂષની પત્ની દ્વારા કરવામાં આવેલા ગેરવર્તન બાબતે તેને સંબોધીને તે બાબતે મનમાં લાગી આવ્યુ હોવાનો પણ ઉલ્લેખ કર્યો હતો. ભૂલી ગયેલા સંતાનના વિરહમાં માતા-પિતાએ પોતાના જ ઘરના પંખા સાથે દોરડું બાંધી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. હાલ આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
