પરિણામ કેન્દ્રી શિક્ષણ વ્યવસ્થાની વિદ્યાર્થી અને વાલીઓ પર થતી અસરો

એક બાજુ વિદ્યાર્થીઓમાં ઉનાળું વેકેશનનો માહોલ જામેલો છે તો બીજું બાજુ વાર્ષિક પરીક્ષાના પરિણામો આવવાના શરુ થઇ ગયા છે. આ પરિણામો આપણને સોશિયલ મીડિયાની ઢગલાબંધ પોસ્ટ, સ્ટેટસ કે સ્ટોરીમાં જોવા મળી રહ્યા છે. ગઈ કાલે ધોરણ ૧૨ ના પરિણામની જાહેરાત થતાની સાથે જ સોશિયલ મીડિયામાં જ્યાં જોવો ત્યાં માર્કશીટો જ નજરે ચઢી રહી છે. આગામી ૧૧ મે ના રોજ ધોરણ ૧૦ નું પરિણામ જાહેર થતાની સાથે જ ફરી પાછો સોશિયલ મીડિયામાં આ જ માહોલ જોવા મળશે. વિદ્યાર્થીઓની મહેનત અને સિદ્ધિઓને બિરદાવવી જ જોઈએ તેમાં કોઈ શંકાને સ્થાન નથી. પરંતુ દેખાદેખીની આ હોડમાં તે તપાસી લેવું જરૂરી છે કે દરેક બાબતને સોશિયલ મીડિયાના માધ્યમથી બિરદાવવા કે પ્રકાશિત કરવું કેટલા અંશે યોગ્ય?
છેલ્લા દોઢ દાયકામાં જે રીતે શિક્ષણનું ખાનગીકરણ અને મહદ અંશે વ્યાપારીકરણ કરવામાં આવ્યું છે તે જોતા તો એવું જ સમજાઈ રહ્યું છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં જાણે આંકડાઓની સ્પર્ધા જામી છે અને ગુણવત્તાને ગાંઠ મારીને પોટલે ચઢાવી દીધી છે. શિક્ષણને સેવાના માધ્યમને બદલે વ્યાપારના ક્ષેત્રમાં મૂકી દેવાથી બાળ મંદિરથી માંડીને તમામ વિદ્યા શાખાઓમાં ફી ભરો ઢગલાબંધ અને માર્ક્સ મેળવો જથ્થાબંધની સ્થિતિ નિર્માણ પામી છે. આ સ્થિતિમાં તમે કોઈ પણ ખાનગી શાળાના પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીને પરિણામ પૂછશો તો મોટાભાગે જવાબ મળશે ૯૦ ટકાથી વધુ એટલે કે A+ કે A ગ્રેડ. ઉદાહરણ તરીકે સમજીએ તો ધોરણ ૬ ના વર્ગમાં ૫૦ વિદ્યાર્થી છે તો તેમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓનું પરિણામ ૯૦ ટકાથી વધુ જ જોવા મળશે. એટલે કે મોટાભાગના વિદ્યાર્થીઓ A+ કે A ગ્રેડની કેટેગરીમાં આવતા હશે અને મહદ અંશે એક પણ વિદ્યાર્થીનું પરિણામ ૮૦ ટકાથી નીચે જોવા નહિ મળે. આ પ્રકારની પરિણામ કેન્દ્રી શિક્ષણ વ્યવસ્થાથી દેખીતી રીતેતો વિદ્યાર્થી, વાલી, પરિવારજનો તો ખુશ થાય જ છે સાથેસાથે શાળા પણ પોતાની જાહેર ખબરોમાં આ પ્રકારના પરિણામોને પોતાની સિદ્ધિ ગણી શાળાની પ્રતિષ્ઠા અને શાખમાં થયેલ વધારા તરીકે દર્શાવે છે. ઘણી શાળાઓ આવી સ્વ ઘોષિત સિદ્ધિ અને પ્રતિષ્ઠાના (ગેર)લાભ થકી શાળાની આગામી વર્ષની ફી માં ધરખમ વધારો કરતી હોય છે.
મહદઅંશે પરિણામના આ આંકડાઓ વાસ્તવિકતાથી જોજનો દૂર વિદ્યાર્થીઓ અને વાલીઓને મોહી જનારા હોય છે તથા આ આંકડાઓમાં કેવી રીતે સતત વધારો થાય તે માટે વાલીઓ અને બાળકોને સતત માનસિક રીતે દબાણ અને ચિંતામાં રચ્યા પચ્યા રહેતા હોય છે. પરિણામ લક્ષી આ શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થી અને વાલી એમ બંનેને ચોક્કસ સમય સુધી વાસ્તવિક પરિસ્થિતિથી દૂર; અવાસ્તવિક અંધકારમય વાતાવરણમાં રાખે છે. એટલે કે મસ મોટી ફી લીધા બાદ શાળાના સંચાલકો વિદ્યાર્થીઓને તેમના વાસ્તવિક સર્વાંગી વિકાસના મૂલ્યાંકનને આધારે નહિ પરંતુ ફી ની રકમને આધારે પરિણામ અપતા હોય તેમ સમજાય થાય છે. આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા વિદ્યાર્થી અને વાલી બંને માટે જોખમી છે. કારણ કે આ જ વિદ્યાર્થીઓ જયારે ધોરણ ૧૦ કે ૧૨ અથવા તો કોઈ અન્ય સ્પર્ધાત્મક પરીક્ષા આપે છે ત્યારે કેટલીકવાર આ પરીક્ષાના પરિણામો કાયમી અપેક્ષાઓથી વિપરીત અને નિરાશા આપનાર આવતા હોય છે. આપણે અનેકવાર જોયું છે કે ધોરણ ૧૦ અને ૧૨ ની પરીક્ષા દરમિયાન અને પરિણામ સમયે કેટલાક વિદ્યાર્થીઓ પોતાની કે વાલીઓની અપેક્ષાથી વિપરીત પરિણામ આવવાના ડરને કારણે આત્મહત્યા કરવાના પ્રયત્ન કરતા હોય છે. અવારનવાર બનતા આ પ્રકારના બનાવો વિશે જાણ્યા પછી મનમાં એક પ્રશ્ન સતત સતાવ્યા કરે છે કે આ તો શિક્ષણનું કેવું ભારણ અને વ્યવસ્થા કે જે માણસને મરવા મજબૂર કરી દે…? ખરા અર્થમાં શિક્ષણ વ્યવસ્થાને સમજીએ તો તે આપણા માટે નવા વિકલ્પો થકી માનસિક શાંતિ અને આનંદ તથા સંતોષપૂર્ણ જીવનનો માર્ગ ચિંધનારની ભૂમિકા અદા કરતી હોવી જોઈએ.
આગામી દિવસોમાં જયારે ધોરણ ૧૦ નું પરિણામ આવી રહ્યું છે ત્યારે આ આપણા સૌની સહિયારી જવાબદારી બને છે કે અપેક્ષાથી વિપરીત પરિણામના ડરને કારણે એકપણ વિદ્યાર્થી આત્મહત્યા કરવા માટે ન પ્રેયાય. વિદ્યાર્થીઓનું જે કઈ પણ પરિણામ આવે તેનો આપણે સહજ સ્વીકાર કરીએ. વધુ અપેક્ષિત ને બદલે વધુ વાસ્તવિક બનીએ. આંકડાલક્ષી પરિણામને બદલે યોગ્ય સમજણલક્ષી પરિણામને વધુ મહત્વ આપતા થઈએ. કારણ કે આંકડાકીય ગુણ એ શિક્ષણ વ્યવસ્થાના આંકલનનો માત્ર એક હિસ્સો છે. માટે કોઈ પણ બાળકની સમજણની સરખામણીને અન્ય કોઈ બાળકના આંકડાકીય ગુણ સાથે તુલના કરીને સમજી શકાય નહિ. આપણે એ વાત પણ હંમેશા યાદ રાખવી જોઈએ કે ભણતર એ બાળકના સર્વાંગી વિકાસ માટેની એક વ્યવસ્થા છે. તે ક્યારેય કોઈ જાહેરાતનો વિષય બની જ ન શકે.

Social