RTIમાં ઘટસ્ફોટ : AMCએ સાડા 5 વર્ષમાં એવરેસ્ટના માત્ર 10 નમૂના લીધા તો MDHનો એકેય નહીં

શહેર કોંગ્રેસના માયનોરિટી વિભાગના વર્કિંગ ચેરમેન તેમજ એડવોકેટ અતીક સૈયદે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગ પાસે RTI દ્વારા મળેલી માહિતી મુજબ વર્ષ 2018થી વર્ષ 2024ના એપ્રિલ મહિના સુધીમાં એવરેસ્ટ મસાલાના કુલ 10 નમૂના લેવામાં આવ્યા છે. જેમાંથી 2 નમૂનાનો રિપોર્ટ પબ્લિક હેલ્થ લેબોરેટરી દ્વારા આપવાનો બાકી છે. જ્યારે MDH મસાલા કંપનીના વર્ષ 2018થી વર્ષ 2024ના એપ્રિલ મહિના સુધીમાં પ્રોડક્ટનો એક પણ નમૂનો ફુડ એનાલિસિસ માટે અમદાવાદ શહેરમાથી ફૂડ વિભાગ દ્વારા લેવામાં જ આવ્યો નથી. ફુડ વિભાગ દ્વારા એવરેસ્ટ મસાલાના જે નમૂના લેવામાં આવ્યા છે, તે કામગીરી ઉપર ઘણા પ્રશ્નો ઉદ્દભવે છે.
એવરેસ્ટ મસાલા કંપની કે જે એવરેસ્ટ ગરમ મસાલા, તીખાલાલ, ટેસ્ટીડો, સબજી મસાલા, રોયલ ગરમ મસાલા, શાહી ગરમ મસાલા, ચણા મસાલા, પાઉભાજી મસાલા, શાહી બિરયાની મસાલા, કિચન કિંગ મસાલા, શાંભર મસાલા, શાહી પનીર મસાલા, ફિશ કરી મસાલા, કરી પાઉડર, ચિકન મસાલા, મીટ મસાલા વગેરે મળી 30થી વધારે મસાલાની પ્રોડક્ટનું શહેરમાં વેચાણ કરે છે.જ્યારે ફૂડ વિભાગે 2018થી 2024ના એપ્રિલ સુધીમાં એવરેસ્ટ મસાલાની વેયાતી તમામ પ્રોડક્ટમાંથી તીખાલાલ મસાલા, હોટ એન્ડ રેડ ચિલ્લી મસાલા, ગરમ મસાલા, આસ્ફોટેડીયા, કિચન કિંગ, ચાટ મસાલાના મળી માત્ર 6 જ નમૂના લેવામાં આવ્યા છે. બાકીની પ્રોડક્ટના નમૂના જ આજ દિન સુધી લેવામાં આવ્યા નથી . જ્યારે એમડીએય મસાલા કંપનીની 20થી વધારે પ્રોડક્ટ શહેરમાં વેચાણ થઈ રહ્યું છે. ફુડ વિભાગના અધિકરીઓ દ્વારા એમડીએચ મસાલાની એક પણ પ્રોડક્ટના એક પણ નમૂનો છેલ્લા 7 વર્ષમાં લેવામાં આવ્યો નથી.મ્યુનિ. ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા એવરેસ્ટ અને એમડીએચ મસાલા કંપનીના પ્રોડક્ટના નમૂના લઈ તેમાં કેમ કરવામાં આવતી નથી? RTIની માહિતીથી સાબિત થાય છે કે, ફૂડ અધિકારીઓ અને મસાલા કંપનીઓના મસાલાની કોઈ યોગ્ય તપાસ કરવામાં આવતી નથી. વિદેશોમાં એવરેસ્ટ અને એમડીએચ મસાલા કંપનીના પ્રોડક્ટ ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે છે, તો અમદાવાદમાં કેમ નહીં? આ મામલે તપાસ કરવામાં આવશે કે કેમ તેને લઈને સવાલ પણ ઉભા કરવામાં આવ્યા છે.

Social