નિકોલમાં એટલાન્ટીસ સાઇટના 11માં માળેથી મજૂર નીચે પટકાતા મોત
નિકોલમાં એટલાન્ટીસ સાઇટના ડી બ્લોકમાં 11માં માળેથી મજૂરનું પટકાતા મોત નિપજ્યુ હતુ. જેમાં મજૂર બાલ્કનીમાં ટાઇલ્સ ફિંટીગનું કામ કરતો હતો અને નીચે જોતી વખતે પગ લપસતા નીચે પડ્યો હતો. આ અંગે પોલીસે તપાસ કરતા સાઇટના બિલ્ડર અને કોન્ટ્રાક્ટરની બેદરકારી સામે આવતા તેમની સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
મૂળ રાજસ્થાનના 24 વર્ષીય મંજુબેન ડામોર હાલમાં નિકોલમાં એટલાન્ટીસ કન્સટ્રક્શન સાઇટ પર કડિયાકામ કરે છે. તેમના 24 વર્ષીય પતિ લક્ષ્મણભાઇ પણ મજૂરીકામ કરે છે. તેઓ ફ્લોરિંગના કોન્ટ્રાક્ટર હરીશસિંગ શેખાવત દ્વારા અમદાવાદમાં મજૂરીકામ માટે આવ્યા હતા. ગત 27 એપ્રિલે સવારે લક્ષ્મણભાઇ સાઇટના ડી બ્લોકમાં 11માં માળે ઘરના લિંવિંગ રૂમમાં બાલ્કીનીમાં ફૂલદા મૂકવાની જગ્યા પર ટાઇલ્સ ફિટિંગનું કામ કરતા હતા. તે તેઓ નીચે જોવા જતા પગ લપસી જતા નીચે પડ્યા હતા. જેથી ગંભીર ઇજાઓના કારણે તેમનું મોત નિપજ્યુ હતુ. ઘટનાની જાણ નિકોલ પોલીસને થતા તે ઘટના સ્થળે દોડી આવી હતી. તે સમયે નિકોલ પોલીસ અકસ્માત મોતનો ગુનો નોધીને તપાસ શરૂ કરી હતી. જેમાં તપાસ કરતા મજૂરોને સેફ્ટી માટે નેટ, હેલ્મેટ અને સેફ્ટી બેલ્ટની વ્યવસ્થા કરી આપી ન હતી. જેથી સાઇટના કોન્ટ્રાક્ટર, બિલ્ડરની બેદરકારીને કારણે મજૂર નીચે પટકાયો હતો અને મોત થયુ હતુ. આ અંગે નિકોલ પોલીસે હરીશસિંગ શેખાવત, બિલ્ડર કેયુરભાઇ રફાળીયા અને નીતીનભાઇ પ્રજાપતિ સામે ગુનો નોધીને તપાસ શરૂ કરી છે.
