કાગડાપીઠમાં રિક્ષાચાલકે ભાડુ માંગતા ત્રણ શખ્સોએ માર મારીને લૂંટી લીધો

કાગડાપીઠમાં રીક્ષા ચાલકે ભાડું માંગતા ત્રણ શખ્સોએ માર મારીને લૂંટી ચલાવી ફરાર થઈ ગયા હતા. જેમાં રિક્ષાચાલકે પેસેન્જરને ઉતારી ભાડુ માંગતા મારે દુબઇ જવાનું હતુ કહીને મઝાક મસ્તી કરીને ઝઘડો કર્યો હતો. આ અંગે કાગડાપીઠ પોલીસે ત્રણેય શખ્સો સામે ગુનો નોધીને ત્રણેયની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.
ગોમતીપુરમાં રહેતા 34 વર્ષીય અસરફઅલી અંસારી રીક્ષા ચલાવીને પરિવારનું ગુજરાન ચલાવે છે. ગત 12મેએ રાત્રીના સમયે તેઓ સારંગપુર સર્કલથી એક પેસેન્જરને લઈને શાહઆલમ ટોલનાકા જવા માટે નીકળ્યો હતો. એસટી ગીતામંદિર પાસેથી બીજા એક પેસેન્જરને રીક્ષામાં બેસાડ્યો હતો. ત્યારબાદ રીક્ષા ચાલકે શાહઆલમ ટોલનાકા પાસે પહોચ્યો પેસેન્જરને ઉતરવાનું હોવાથી રીક્ષા રોકી હતી બાદમાં ભાડાના રૂપિયા માંગતા પેસેન્જરે મજાક કરીને કહ્યું કે મારે તો દુબઈ જવાનું છે અહિયાં કેમ ઉતારો છો અને ભાડું નહિ આપીને રીક્ષા ચાલક સાથે મારમારી કરવા લાગ્યો હતો અને રીક્ષા ચાલકને માથામાં પથ્થર મારી દેતા લોહી નીકળવા લાગ્યું હતું. આ દરમ્યાન અજાણ્યા બે શખ્સોએ પણ રીક્ષા ચાલકને ઢોર માર મારવા લાગ્યા હતા. આ સમયે રીક્ષા ચાલકની મદદે રાહદારી હૈદરખાન પઠાણ નામનો શખ્સ આવ્યો હતો. ત્યારે ત્રણેય શખ્સોએ રીક્ષા ચાલક યુવક અને મદદે આવેલા રાહદારીને પણ માર મારવા લાગ્યા હતા. બંને પાસે રહેલા મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા લઈને ત્રણ શખ્સો ફરાર થઈ ગયા હતા. બાદમાં ઈજાગ્રસ્ત રીક્ષા ચાલક અને રાહદારી યુવકને આસપાસના લોકોએ સારવાર માટે ખસેડ્યા હતા. આ અંગે રિક્ષાચાલકે ત્રણેય શખ્સો સામે લૂંટ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવતા પોલીસે ત્રણેય આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે.

Social