કુબેરનગરમાં કેસમાં કેમ સમાધાન કરતો નથી કહીને બે શખ્સોએ યુવકને ચપ્પુના ઘા મારી હત્યાનો પ્રયાસ કર્યો
કુબેરનગરમાં બે શખ્સોએ યુવકને તારી બહેને મારા મિત્ર સામે કરેલ કેસમાં સમાધાન કેમ કરતો નથી કહીને ચપ્પુના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જેમાં યુવકે હેરકટિંગ કરાવવા ગયો હતો ત્યાં શખ્સે આવીને ઝઘડો કર્યો હતો. આ અંગે સરદારનગર પોલીસે બંને પક્ષોની ક્રોસ ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
કુબેરનગરમાં રહેતા 35 વર્ષીય મુકેશભાઇ ખિયાણી જમીન-મકાનની દલાલીનું કામ કરે છે. ગત 12મેએ સાંજના સમયે તેઓ ઘર પાસે આવેલ હેરકટિંગની દુકાને ગયા હતા. પરંતુ ત્યાં ભીડ હોવાથી તેઓ એક્ટિવા લઇને પરત જતા હતા ત્યારે કાનુડો ઉર્ફે કાનજી મારવાડી તેમની પાસે આવ્યો હતો. અને મારા મિત્ર રોનક બિહોલા સામે તારી બહેને કેસ કર્યો છે તેમાં તુ સમાધાન કેમ કરતો નથી ઝઘડો કર્યો હતો. જ્યારે મુકેશભાઇએ ઝઘડો કરવાની ના પાડતા કાનુડાએ ઉશ્કેરાઇને ચપ્પુના ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. આ દરમ્યાન કાનુડાના મિત્રે આવીને તેનું ઉપરાણુ લઇને મુકેશભાઇને માર માર્યો હતો. બૂમાબૂમ થતા આસપાસના લોકો ભેગા થઇ જતા બંને શખ્સો ત્યાંથી નાસી ગયા હતા. તેમજ ઇજાગ્રસ્ત મુકેશભાઇને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે મુકેશભાઇએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં બંને શખ્સો સામે હત્યાના પ્રયાસ સહિતની કલમ હેઠળ ફરિયાદ નોધાવી છે. બીજી તરફ કાનુડાએ પણ મુકેશભાઇએ તેની પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો. તેવી ફરિયાદ પોલીસ સ્ટેશનમાં નોધાવી છે. સરદાનગર પોલીસે બંનેની ક્રોસ ફરિયાદ નોધીને વધુ તપાસ શરૂ કરી છે.
