ધોરણ 10 અને 12ની ગુણ ચકાસણી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂ, આ તારીખ સુધી જ નોંધણી કરાવી શકશો !
ગુજરાતમાં ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરી દેવામાં આવ્યું છે. આ પરિણામથી જે વિધાર્થીઓ અસંતુષ્ટ હોય તેઓ ગુણ ચકાસણી કરાવતા હોય છે, તો આ ગુણ ચકાસણીની નોંધણી શરૂ કરી દેવામાં આવી છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગુણ ચકાસણી માટે ઓનલાઈન રજિસ્ટ્રેશન શરૂકરી દેવામાં આવ્યું છે.ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10, ધોરણ-12 સામાન્ય પ્રવાહ અને ધોરણ- 12 સાયન્સની ગુણ ચકાસણી માટે ગઈકાલથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત ધોરણ-12 સાયન્સની ઉત્તરવહી અવલોકન, OMRની કોપી તથા ગુજકેટની OMRની કોપી માટે પણ ગઈકાલથી રજિસ્ટ્રેશનની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. ત્યારે વિદ્યાર્થીઓએ ગુણ ચકાસણી માટે 20 મે સુધી ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવવાનું રહેશે.
ઉલ્લેખનીય છે કે ધોરણ-10 અને 12નું પરિણામ જાહેર કરાયા બાદ તબક્કાવાર ગુણ ચકાસણી અને ઉત્તરવહી અવલોકન માટેની કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં સૌપ્રથમ રજિસ્ટ્રેશનની કાર્યવાહી કરાયા બાદ ગુણ ચકાસણી હાથ ધરી તે અંગેના ઓર્ડર વિદ્યાર્થીઓને મોકલવામાં આવતા હોય છે. જો પરિણામમાં સુધારો થયો હોય તો નવી માર્કશીટ પણ આપવામાં આવતી હોય છે. જોકે, આ વખતે સૌપ્રથમ વખત ધોરણ-10 અને 12 તથા ગુજકેટ એમ તમામ માટે એક સાથે ગુણ ચકાસણી અને અવલોકન માટેની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
