દહેગામની ત્રણ સોસાયટીઓએ લોકોના ખિસ્સા ખાલી કરતાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની ના પાડી : વડોદરા બાદ દહેગામમાં ભારે વિરોધ
હવે મોબાઈલ રિચાર્જની જેમ ઇલેક્ટ્રિક મીટર પણ રિચાર્જ કરવા પડશે. કેમ કે આવા જ સ્માર્ટ મીટર રાજ્યમાં અને તેમાં પણ અમદાવાદ તેમજ ગાંધીનગર અને વડોદરામાં લાગવાની શરૂઆત થઈ ચૂકી છે. ત્યારે વડોદરા સહિતના વિસ્તારોમાં આ મીટરનો ભારે વિરોધ થઈ રહ્યો છે. આ વિરોધ શાંત પડ્યો નથી ત્યાં હવે રાજ્યના પાટનગર જિલ્લાના દહેગામ ટાઉનમાં આ સ્માર્ટ મીટર વીજ કચેરી ધ્વારા લગાવવાની શરૂઆત કરતાં ઠેરઠેર વિરોધ જોવા મળી રહ્યો છે. વીજળીના વધુ ઉપયોગને કંટ્રોલ કરવા તેમજ અન્ય સમસ્યાઓને નિવારવા માટે રાજ્ય સરકાર દ્વારા આ કોન્સેપટ લાવવામાં આવ્યો છે. જો કે પાયલોટ પ્રોજેક્ટ તરીકે મોટા શહેરોને પસંદ કરવાના બદલે દહેગામનો સમાવેશ કરવામાં આવ્યો છે આ વિસ્તારના 30 ટકા જેટલા લોકો રોજ કમાણી કરી પરિવારોનું ગુજરાન ચલાવે છે એમના માટે એડવાન્સ પૈસા જમા કરાવવા શક્ય નથી. ત્યારે આવા પરિવારો માટે અંધારા ઉલેચવા જેવા દિવસો આવશે તેમાં કોઈ બેમત નથી.
કેન્દ્ર સરકારના પ્રોજેક્ટ અંતર્ગત રાજ્યમાં કેટલાક વિસ્તારમાં હવે સ્માર્ટ ઇલેક્ટ્રિક મીટર લગાવવાની શરૂઆત અગાઉ કરી દેવાઈ હતી. પરંતુ ચૂંટણી હોવાથી આ મીટર લગાવવાની કામગીરી નવા વિસ્તારોમાં બંધ હતી. જેવી ચૂંટણી પૂરી થઈ કે દહેગામમાં આ સ્માર્ટ મીટર લાગવાના શરૂ કરવામાં આવ્યા છે. વીજ કચેરી ધ્વારા પણ વિરોધનો સામનો ન કરવો પડે એટલા માટે નવી ડેવલોપ થયેલ વેદ બંગ્લોઝ, વેદ ફ્લેટ સ્વપ્નિલ હાઇટ્સ અને મારુતિ ફ્લોરામાં મીટર લગાવવામાં આવ્યા છે. પરંતુ વડોદરામાં સ્માર્ટ મીટરમાં ચાર્જ વધુ કપાતો હોવાનો મામલો સામે આવ્યા બાદ ભારે વિરોધ જોતાં દહેગામમાં પણ હવે વિરોધનાં સૂર ઉઠયા છે. શહેરમાં આવેલ વાસ્તુપૂજા ફ્લેટ, શ્રીનાથ બંગ્લોઝ અને સુર્યકેતુ ટાઉનશીપ ધ્વારા સ્માર્ટ મીટર લગાવવાની ના પાડવામાં આવી છે. મીટર અંગેની વાત કરીએ તો રિચાર્જ પૂર્ણ થતાં વીજ પુરવઠો આપોઆપ બંધ થઈ જશે. જોકે જેઓ સ્માર્ટ મોબાઈલ ઉપયોગ નથી કરી શકતા કે ઉપયોગ કરવાનું જાણતા નથી તેવા લોકોને હાલાકી પડી શકે છે તેવું પણ લોકોનું માનવું છે.
દહેગામમાં સ્માર્ટ મીટર લગાવવાના શરૂ કરવામાં આવ્યા બાદ તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. જેમાં વાસ્તુપૂજા ફ્લેટ ધ્વારા આ મીટર લગાવવાની ના પાડવામાં આવી છે. તેવીજ રીતે શ્રીનાથ બંગ્લોઝ સોસાયટીના સેક્રેટરી મહેશભાઇ દેવજીભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે તેમની સોસાયટીમાં 206 મકાન આવેલા છે અહી પણ સ્માર્ટ મીટર લગાવવા દેવામાં આવશે નહીં. તો સુર્યકેતુ ટાઉનશીપ ના પ્રમુખ રાકેશભાઈ પટેલે પણ તેમની સોસાયટીમાં આવેલ 139 મકાનમાં આ મીટર નહીં લગાવવા દેવામાં આવે અને જરૂર પડે આંદોલન કરવાની ચીમકી આપી છે.
