એરપોર્ટ વિસ્તારમાં પેડલ રિક્ષા ખસેડવા બાબતે દંપતીએ પિતા-પુત્ર પર ઇંટથી હુમલો કર્યો

એરપોર્ટ વિસ્તારમાં ભદ્રેશ્વર લીમડીયા ખાતે પેડલ રિક્ષા ખસેડવાની બાબતમાં દંપતીએ પિતા-પુત્રને ફટકાર્યા હતા. જેમાં રેતીના ઢગલાની બાજુમાં પેડલ રિક્ષા પડી હોવાથી વેપારીએ ખસેડીને સાઇડમાં મૂકતા મામલો બિચક્યો હતો. આ અંગે વેપારીએ દંપતી સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.
ગાંધીનગરમાં રહેતા કાન્તીભાઇ વણઝારા એરપોર્ટ વિસ્તારમાં આવેલ ભદ્રેશ્વર લીમડીયોના છાપરા પાસે રેતીનો ધંધો કરે છે. બે દિવસ પહેલા રેતીની ગાડી આવી હતી. પરંતુ રેતીના ઢગલાની બાજુમાં નર્મદાબેન સિંધીની પેડલ રિક્ષા પડી હતી. અને કાન્તીભાઇએ પેડલ રિક્ષા ખસેડીને સાઇડમાં મૂકી હતી. ગત 15મેએ સવારના સમયે તેઓ નર્મદાબેન અને તેમના પતિ શનાભાઇને પેડલ રિક્ષા ખસેડવાનું કહેતા તમારા છોકરાઓ ખસેડતા ન હતા. તેમ કહેતા દંપતીએ રિક્ષા કેમ ખસેડી આ જગ્યા અમારી છે. કહીને ઝઘડો કરવા લાગ્યા હતા. બાદમાં આસપાસના લોકોએ તેમને છોડાવ્યા હતા. ત્યારબાદ સાંજના સમયે થયેલ ઝઘડાની અદાવત રાખીને દંપતી ફરીથી આવીને કાંન્તીભાઇની પત્ની કાળીબેન અને પુત્રને માર મારવા લાગ્યા હતા. તેમજ કાન્તીભાઇને માથામાં ઇંટ મારી દીધી હતી. બૂમાબૂમ થતા આસપાસના લોકો આવી જતા બંને જાનથી મારી નાખવાની ધમકી આપીને જતા રહ્યા હતા. તેમજ ઇજાગ્રસ્ત બંને પિતા-પુત્રને સારવારઅર્થે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા હતા. આ અંગે કાંન્તીભાઇએ દંપતી સામે એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી છે.

Social