અમદાવાદના CG રોડના પરિસીમા કોમ્પ્લેક્સના પહેલા માળે આગ લાગતા દોડધામ
સીજી રોડ પર આવેલા પરિસીમા કોમ્પ્લેક્સમાં પહેલાં માળે આગ લાગી હતી. આગ લાગવાની જાણ થતાં ફાયર બ્રિગેડની 10થી વધુ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. કોમ્પ્લેક્સના આર. કે. કુમાર ઓપ્ટિકલ્સ નામની દુકાન ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવેલી છે અને પહેલા માળે સીડી પાસે એક નાનકડી દુકાન જેવું હતું, જેમાં ચશ્માનું ગોડાઉન બનાવ્યું હતું. ચશ્માની શોપમાં આગ લાગી હતી. જેને પગલે રોડ પર લોકોના ટોળેટાળા ઉમટ્યા હતા.
સીજી રોડ પર આવેલા પરિસીમા કોમ્પ્લેક્સમાં પહેલાં માળે આવેલા ચશ્માની દુકાનમાં આગના બનાવને પગલે તાત્કાલિક કોમ્પ્લેક્સને ખાલી કરાવવામાં આવ્યું હતું. જેમાં કેટલાક દિવ્યાંગ વ્યક્તિઓ સહિત અન્ય લોકોને સહીસલામત બહાર કાઢવામાં આવ્યા હતા.ઘટનામાં એક પીએસઆઇને પણ ધુમાડો દૂર કરતા સમયે ઇજા થઈ હોવાનું જાણવા મળ્યું હતું. સીજી રોડ ઉપર આવેલા પરિસીમા કોમ્પ્લેક્સમાં આગ લાગતા ચીફ ફાયર ઓફિસર અને એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિતના 40થી વધુ લોકોનો સ્ટાફ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યો હતો.કોમ્પ્લેક્સમાં ધુમાડો ફેલાઈ ગયો હોવાના કારણે લોકો ઓફિસમાં જ બેસી રહ્યા હતા, તે તમામ લોકો ને ફાયર બ્રિગેડની ટીમ દ્વારા તાત્કાલિક ધોરણે ધીરેધીરે રેસ્ક્યૂ કરી નીચે લાવવામાં આવ્યા હતા.આ દરમિયાન નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જે. એન. દેસાઈ એક ઓફિસ તરફ જતો ધુમાડો દૂર કરવા માટે કાચ તોડવા ગયા હતા, તે દરમિયાન તેમને હાથમાં ઇજા થઈ હતી. ફાયરના જવાનને પણ આગ બુઝાવતા સમયે સામાન્ય ઈજા થઈ હતી. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ પહેલા માળ ઉપર સીડીમાં આગ હોવાના કારણે અમે લોકો સીધા ઉપર જતા રહ્યા હતા. જોકે, આગનો ધુમાડો વધુ ફેલાયેલો હતો, તેથી આસપાસના કાચ પણ તોડી નાખવામાં આવ્યા હતા, જેથી ધુમાડો બહાર જઈ શકે. ફાયર બ્રિગેડની ટીમ આવી ત્યારે ધુમાડો ઓછો થયો અને ધીમેધીમે આગ બુઝાયા પછી ફાયર બ્રિગેડની ટીમે નીચે ઉતાર્યા હતા. કેટલાક લોકો ધાબા ઉપરથી બાજુમાં આવેલા બ્લોકમાં પણ જતા રહ્યા હતા. જેથી કોઈ વધારે તકલીફ પડી ન હતી. જોકે, બીજા કે ત્રીજા માળ ઉપર જે લોકો હતા, તે લોકોને નીચે ઉતારવા મા થોડી તકલીફ પડી હતી.
