સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં નાગરિકોની અસરકારક ભૂમિકાની જરૂરિયાત

ગટર, રસ્તા, નાળા, જર્જરિત ઈમારતો વગેરેના સમારકામના નામે ચોમાસાની શરૂઆત પહેલા અગમચેતીના ભાગરૂપે પાલિકા અને મહાનગરપાલિકાઓનું વહીવટીતંત્ર દર વર્ષની માફક હવે કરોડો રૂપિયાના “પ્રિ મોન્સુન” કામગીરીના પ્લાન બનાવશે. પરંતુ જેવો ૪ થી ૫ ઇંચ વરસાદ પડશે કે આ કામગીરી વરસાદના પાણીમાં તરત જ ધોવાઇ જશે. દર વર્ષે આવી જ સ્થિતિનું નિર્માણ થવાને કારણે સામાન્ય જનતાના મનમાં સહજ પ્રશ્ન થાય કે આવું કેમ થાય છે? શું વહીવટમાં કોઈ ખામી હશે? ગુણવત્તાસભર કામ કરવા માટે પૂરતા ભંડોળનો અભાવ હશે કે સત્તાધીશો અને કોન્ટ્રાક્ટરોની મિલીભગત થતી હશે?

                    આ વાતને હવે જરા વિગતે સમજવાનો પ્રયત્ન કરીએ. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કે જેમાં નગરપાલિકા અને મહાનગરપાલિકાઓનો પણ સમાવેશ થતો હોય છે; તેમના મુખ્ય કાર્યોમાં નાગરિકોને યોગ્ય રોડ-રસ્તા, ગટર, પાણીની વ્યવસ્થા પૂરી પડવી, સફાઈ કામગીરી, વીજ પુરવઠાનો સમાવેશ થતો હોય છે. આ કાર્યો સિવાય પણ તેમણે નાગરિકોના હિતમાં અન્ય કાર્યો કરવાના હોય છે. આ કાર્યો કરવા માટે તેમની પાસે સરકારી ગ્રાન્ટ તથા કરવેરા અને અન્ય આવકોનું એક સ્વ ભંડોળ હોય છે. પાલિકાએ આ જે કાર્યો કરવાના હોય તેમાં જનહિતને ધ્યાને રાખીને આ કાર્યો કરવાના હોય છે. દરેક વોર્ડ દીઠ એક “વોર્ડ સમિતિ” બનાવવાની હોય છે. જેમાં વોર્ડના ચૂંટાયેલ સદસ્યો સહીત સ્થાનિક રહીશો અને સરકારીતંત્ર પ્રતિનિધિનો સમાવેશ કરવામાં આવતો હોય છે. આ વોર્ડ સમિતિ દ્વારા જે તે વોર્ડમાં કેવા વિકાસના કામો કરવાની જરૂર છે તે અંગેનું આયોજન કરી તેના યોગ્ય અમલીકરણ અર્થે તેને સ્થાનિક સ્વરાજની સંસ્થાને સોંપવાનું હોય છે.  
                       પરંતુ આપણે સૌ જાણીએ છીએ તે મુજબ આવી કોઈ સમિતિ હાલની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં અસરકારક રીતે કાર્યરત નથી. કદાચ કાગળ ઉપર આ પ્રકારની વોર્ડ સમિતિ અસ્તિત્વ ધરાવતી હોય. પરંતુ તેમાં જે સભ્યોના નામ હોય છે તેઓને મહદઅંશે ખ્યાલ જ નથી હોતો કે તેઓ આવી કોઈ સમિતિના સભ્ય પણ છે. વોર્ડ સમિતિની અસરકારકતાને લીધે જે તે વોર્ડમાં જરૂરીયાત મુજબના કાર્યો આયોજનબદ્ધ રીતે પારદર્શક વહીવટ થકી સરળતાથી થઇ શકે છે. પરંતુ મહદઅંશે ચૂંટાયેલા સદસ્યો અને વહીવટીતંત્રના અધિકારી/કર્મચારીઓ તેમના મળતિયા ઠેકેદારો સાથે આરામથી મિલીભગત કરી શકે તે માટે વોર્ડ સમિતિને સક્રિય થવા દેતા નથી. જેના પરિણામ સ્વરૂપે જે તે વોર્ડની સ્થાનિક જરૂરિયાત મુજબના કાર્યોને પ્રાધાન્ય મળતું નથી અને કામ પણ ગુણવત્તાસભર થતું નથી. 
                            આ સ્થિતિમાં પ્રજાએ પોતાના કામ કરાવવા માટે જાગૃત થવું પડે અને સાથે સાથે સંગઠિત પણ રહેવું પડે. જેમ કે સાણંદ નગરપાલિકા વિસ્તારની વાત કરીએ તો જુદા જુદા વોર્ડમાં રોડ, ગટર, પીવાના પાણી, સફાઈ, વીજ પુરવઠો જેવા અલગ અલગ પ્રશ્નો છે. આ સ્થિતિમાં આગામી નગરપાલિકાની ચુંટણી પહેલા જે તે વોર્ડના સ્થાનિક લોકોએ પોતાના પ્રશ્નો અને તકલીફોને તારવવી જોઈએ અને સંગઠિત થઇ તેને વાચા આપવાનું શરૂ કરવું જોઈએ. આ સાથે સાથે પક્ષાપક્ષીથી દુર થઇ જે તે વોર્ડના નાગરિકોએ સ્થાનિક યુવા આગેવાનો પણ તૈયાર કરવા જોઈએ કે જેઓ આગામી ચૂટણીમાં તેમનું યોગ્ય અને અસરકારક પ્રતિનિધિત્વ કરી શકે. કેટલીક બાબતો સમગ્ર વિસ્તારની જાહેર જનતાને અસર કરતી હોઈ શકે; જેમ કે વહીવટીતંત્ર દ્વારા પૂરી પાડવામાં આવતી શિક્ષણ અને આરોગ્યની પુરતી છે કે નહિ તથા તે ગુણવત્તાસભર છે કે નહિ? મનોરંજન માટેની જાહેર સુવિધાઓ જેમ કે સાણંદની વસ્તીને ધ્યાને રાખી કેટલા બાગ-બગીચા, રમતગમત સંકુલો, વોક –વે, તળાવો છે અને તેની કેવી સ્થિતિ છે? વાહન વ્યવહારની જાહેર સુવિધાઓ જેમ કે સાણંદ રેલ્વે સ્ટેશન પર આપણી જરૂરિયાત અને માંગણી મુજબની કેટલી ટ્રેનોનું સ્ટોપેજ છે? AMTS અને એટી બસની યોગ્ય માત્રામાં સુવિધા ઉપલબ્ધ થાય છે કે નહિ તેનું વિસ્તારની જનતાએ સંગઠિત થઇ યોગ્ય મુલ્યનકાન અને સમીક્ષા કરવી જોઈએ.  
                                ટૂંકમાં, ચૂંટેલા પ્રતિનિધિઓ અને વહીવટીતંત્રને જાગૃત કરવા માટે પહેલા લોકોએ સક્રિય અને જાગૃત થવાની જરૂર છે. નાગરિકો જો તેમના અધિકારો અને ફરજો થી વિમુખ રહેશે, તો કોઈ પણ સમસ્યાનું નિરાકરણ સરળતાથી નહીં થઈ શકે. અહિયાં નાગરિકોના જાગૃતિકરણ માટે કેટલાક ઉપાયો અત્રે સૂચવેલ છે.

૧. જાગૃતિ અભિયાન: સ્થાનિક સ્તરે જાગૃતિ અભિયાનો ચલાવી શકાય છે. આમાં નાગરિકોના અધિકારો, તેમની જવાબદારીઓ અને શહેરના વિકાસ માટે જરૂરી કાર્યવાહી વિશે માહિતી આપવી.

૨. લેખિત અરજીઓ: નાગરિકોને નગરપાલિકાને અને તેની ઉપરની કચેરી લેખિતમાં તેમની સમસ્યાઓ વિશે જાણ કરવા પ્રોત્સાહિત કરવા. આ કરવાથી નગરપાલિકાના વહીવટીતંત્રની જવાબદેહિતા નક્કી થાય છે.

૩. સ્થાનિક સંગઠનો: સ્થાનિક નાગરિક સંગઠનોની રચના કરી શકાય છે, જે સામૂહિક રીતે નગરપાલિકા વહીવટીતંત્ર સાથે બેઠક કરી શકે અને સમસ્યાઓ ઉકેલી શકે.

૪. મીડિયા અને સૉશિયલ મિડિયા: મીડિયા અને સૉશિયલ મિડિયાનો ઉપયોગ કરીને નાગરિકોના પ્રશ્નોને યોગ્ય અને અસરકારક રીતે પ્રસ્તુત કરી શકાય છે. આનાથી વધુ લોકો જાગૃત થશે અને વહીવટીતંત્ર પર દબાણ વધશે.

૫. શિક્ષણ અને તાલીમ: નાગરિકોને તેમના હક્કો અને ફરજો વિશે શિક્ષિત કરવું. જેનાથી તેઓ જાગૃત નાગરિક તરીકેની ભૂમિકા યોગ્ય રીતે નિભાવી શકે.

આમ જો નાગરિકો આયોજનપૂર્વક સંગઠિત થઈને આગળ આવે, અને વહીવટીતંત્ર સાથે સંવાદ કરે, તો સમસ્યાઓનો ઉકેલ ઝડપી રીતે આવી શકે.

Social