પરિણામ થી ઉંચી માં ની મમતા છે

હાલ વિવિધ ધોરણમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ના પરિણામ ની મૌસમ ચાલી રહી છે. પોતે કરેલી આખાય વર્ષ ની મહેનત ના પરિણામ ને એક કાગળ ના ટુકડા પર જોવા સૌ વિધાર્થીઓ તલપાપડ બની રહ્યા છે. અને પુરુષાર્થ ના પરિણામ ની રાહ કોને ન હોય. પરિક્ષા જીવતર ની હોય કે ભણતરની સૌ કોઈ એવું જ ઈચ્છે કે આમાં સફળ થઈ કંઈ સારું કરીએ. ત્યારે પાસ થયેલા સૌ વિદ્યાર્થીઓ ને ખૂબ ખૂબ અભિનંદન.

જ્યારે કોઈ મોટી પરિક્ષા નું પરિણામ આવવાનું હોય ત્યારે મેં એક વસ્તુ માર્ક કરી કે એ સમયે આપણું પરિણામ શું આવ્યું એ જાણવા ની આપણાં ઘરના સભ્યો કરતા આજુબાજુ વાળા ને પાડોશીને કે શેરીઓમાં રહેતા લોકો ને વધારે હોય છે. એમાંય જો નબળું પરિણામ આવ્યું તો તો સલાહ સૂચન શિખામણ ના ધોધ બિલકુલ ફ્રી મા આપણા પર વહેવા લાગે.

પણ અત્યારે કહેવાનું મન થાય કે અજકાલ વિધાર્થીઓ ના ભણતરનો ગ્રાફ ચોક્કસ ઉંચે ગયો છે પણ સાથે સાથે તેમાં ગણતર નો ગ્રાફ ખૂબ ઝડપથી નીચે જતો રહ્યો છે. એવું કહેવાય કે અત્યારે મોટાભાગના ભણેલા પણ અભણ વધું જોવા મળે છે.એક પરિક્ષા માં સારા ગુણ મેળવી લીધા બાદ તેમને એમ લાગે કે મેં આખું જગત જીતી લીધું માત પિતા વડીલો કે પોતાના થી મોટાનું સન્માન કરવાનું ભૂલી જાવ છે તે વાત વાતમાં તેને ઉતારી પાડે છે પણ એ એક રણમાં દેખાતા મૃગજળ જેવી વાત છે. આજના લેખમાં આવો એવી જ એક વાત કરવી છે.

દીકરા નું 12 મા નું પરિણામ આવ્યું ,પપ્પા બોલ્યા વાહ બેટા ખૂબ સરસ.રસોડા માં દીકરા ના પરિણામ ની રાહ મા લાપસી બનાવતી તેની પત્ની ને સાદ પડ્યો અને કહ્યું “એ સાંભળે છે? , આપણો દીકરો 12 માં ધોરણ માં 90% સાથે પાસ થયો છે…” તેની પત્ની હરખાતી હરખાતી દોડતી-દોડતી આવી ને બોલી બતાવો મને પરિણામ! દીકરો બોલ્યો એ અંગ્રેજી માં છે, અને મમ્મી તું તો અભણ છે ને, તને ગુજરાતી વાંચતા નથી આવડતું તો અંગ્રેજી માં ક્યાંથી ઘેડ પડશે તું રેવા દે, તને નઈ ખબર પડે..

માઁ ની આંખ છલકાઈ દિકરા ના આવાં તલવાર ની ધાર જેવા અણીદાર શબ્દો થી માં ના કોમળ કાળજે ઘા વાગ્યો પણ બિચારી કઈ બોલી ના શકી. પણ તેના પતિ થી રહેવાયું નહિ ત્યારે દીકરા ના પપ્પા બોલ્યા, બેટા આવું ન બોલાય તું જે ને અભણ કહે છે ને એ તારી માં તારા ૧૦૦ શિક્ષક ની ગરજ સારે છે એક પરિણામ સારું આવ્યું ત્યાં તો તું તારા માબાપને અભણ ની શ્રેણી માં મૂકવા લાગ્યો એ આપણ સંસ્કાર નથી. પિતા આગળ જણાવે છે સાંભળ તારી મા જો ભણેલી હોત તો તું અહીં ઉભો ન હોત અને આ પરિણામ આવ્યું ન હોત એ અભણ છે એટલે તું જીવે છે કંઈ રીતે સાંભળવું છે તો સાંભળ:

” બેટા અમારા લગ્ન ના ત્રણ જ મહિના માં તારી મા ને ગર્ભ રહ્યો હતો, મેં કહ્યું ચાલ એબોરશન કરાવી લઈએ, હજુ તો જિંદગી માં કઈ ફર્યા જ નથી આપણે, તેણે ત્યારે મારી વાત નો વિરોધ કર્યો, કારણ કે તે અભણ છે.” તારી માઁ ને દૂધ નથી ભાવતું પણ તને પોષણ મળે એ માટે તેણે 9 મહિના દૂધ પીધું, કારણ કે તે અભણ છે.તને સવારે 7 વાગ્યે શાળા એ મોકલવા એ પોતે 5 વાગ્યા માં જાગી ને તારા માટે તને ભાવતો નાસ્તો બનાવતી , કારણ કે તે અભણ છે.તું રાત્રે વાંચતો- વાંચતો સુઈ ગયો હોય ત્યારે તે તારી બુક વ્યવસ્થિત મૂકી, તને ગોદડું ઓઢાડી, તારો મોબાઈલ ચાર્જ માં મૂકી, હળવેક થી બત્તી બંધ કરી દેતી, કારણ કે તે અભણ છે.આજ સુધી તે પોતે દેશી હોવા છતાં પણ તને વિદેશી સગવડો આપી છે, કારણ કે તે અભણ છે.તું નાનો હતો ને ત્યારે રાત્રે બોવ બીમાર પડી જતો, આખી રાત તારા માટે એ જાગતી રહે અને સવારે વળી પાછી પોતાના કામ માં વળગી જાય, કારણ કે તે અભણ છે.તને સારા કપડાં પેહેરાવવા તે પોતે સસ્તી સાડી માં ચલાવી લેતી, કારણ કે તે અભણ છે.

બેટા ભણેલાઓ ને તો પ્રથમ પોતાનો સ્વાર્થ દેખાય, પણ તારી માઁ એ આજ સુધી ઘર માં પોતાનો સ્વાર્થ નથી જોયો, તે આપણું જમવાનુ બનાવવામાં ક્યારેક પોતે જમતા ભૂલી જતી. તેથી હું ગર્વ થી કહું છું કે સારું છે મારી જીવનસંગીની અભણ છે…

આટલું સાંભળતા દિકરા ને સત્ય સમજાઈ ગયું અને રડી પડ્યો અને માફી માંગતા બોલ્યો: ” માઁ ” હું તો માત્ર કાગળ પર જ 90% લાવ્યો છું, પણ મારા જીવન ને 100% બનાવનારી પ્રથમ શિક્ષક તું છે મને માફ કરી દે.માં આજે 90% સાથે પણ હું અભણ છું, અને તારી પાસે આજે phd. થી પણ ઉંચી ડિગ્રી છે…

કારણ કે આજે મેં અભણ માં ના સ્વરૂપ મા ડોક્ટર, શિક્ષક, સારી સલાહકાર ,વકીલ, મારા કપડાં ને સિવતી ડિઝાઈનર અને બેસ્ટ કૂક વગેરે ના દર્શન કર્યા છે…..

માં તો વાત્સલ્ય ની સાક્ષાત મૂર્તિ કહેવાય છે ને દિકરો આટલું બોલે ત્યાંતો માં એ દિકરા ને ભેટી પડી. કહેવાનો અર્થ એટલો જ છે મિત્રો કે જીવનમાં ભલે ગમે તેટલી સફળતા પ્રાપ્ત કરો પણ ક્યારેક સફળતા ની ટોચે પહોંચી પોતાના માં બાપ ને નીચા ન આંકવા કારણે તમારી સફળતા ના રસ્તા પર પડેલા કંકણ, કાંટા એમણે જ સાફ કર્યા છે. તમે જ્યાં છો ત્યાંથી તમારા માં બાપ નો‌ હંમેશા આદર કરો.

Social