सानंदका वर्तमान ही नहीं, अतीतभी स्वर्णिम यशस्वी रहा है।

મનોહર ટાઇમ્સના આ કોલમમાં લેખકે ઘણી વખતે દેશ અને દુનિયાના મહાન શિક્ષક, ચિંતક અને દાર્શનિક જે.કૃષ્ણમૂર્તિના વિચારો પ્રસ્તુત કર્યા છે. અને ઘણા બધા સુજ્ઞ તથા ગંભીર વાચક મિત્રોએ એમના મનમાં લેખ વાંચીને સહજ રીતે ઉપસ્થિત થતા પ્રશ્નો પણ લેખકને કર્યા છે. જેના ઉત્તરો પણ લેખકે પોતાની વિનમ્ર બુદ્ધિથી આપ્યા છે. મને આનંદ એ વાતનો છે કે આવા નિતાંત મૌલિક અને પ્રમાણમાં ખુબ જ અઘરા ચિંતકના વિચારો ઘણા પાઠકોએ આત્મસાત કર્યા છે.
સાણંદ અનેક રીતે ભાગ્યશાળી છે. અહીં સમૃદ્ધ પુસ્તકાલય છે, મનોહર ટાઈમ્સ દ્વારા સંચાલિત અદ્યતન વાંચનાલય છે, સુંદર અને સાર્થક રીતે કાર્યરત શાળાઓ છે. પર્યાવરણ સ્વાસ્થ્ય અને શિક્ષણને કેન્દ્રમાં રાખીને કામ કરનારી માનવ સેવા ટ્રસ્ટ જેવી સમાજ સેવી સંસ્થાઓ છે. સાધના ફાઉન્ડેશન અને એના જેવી અન્ય સ્વેચ્છિક સંસ્થાઓ છે જે પશુ, પંખીઓ તથા અન્ય પ્રાણીઓની દિલથી કાળજી રાખે છે. સાણંદમાં નાના ભૂલકાઓ, વૃધ્ધો, અને બહેનોની કાળજી રાખનારા સંસ્થાઓ છે તો બીજી બાજુ યુવાનોની વૈચારિક ચિંતા કરનાર સંસ્થાએ દરેક માસના અંતિમ શનિવારે વિચાર મંચ કાર્યક્રમમાં ભાગ લેવા શાળા કોલેજના કિશોર, યુવક, યુવતીઓને આમંત્રણ આપીને ‘ મુક્ત અને સહજ વાર્તાલાપ ને પ્રોત્સાહન આપવાનું સરાહનીય કાર્ય કર્યું છે. આ ‘ વિચાર મંચ ‘ કાર્યક્રમમાં આ કોલમના લેખક ને પણ એક બે વખત વક્તવ્ય આપવાની તક મળેલ છે. જેમાં ક્યારેક ગાંઘી તો ક્યારેક જે, કૃષ્ણમૂર્તિ વિશે શ્રોતાઓ સાથે વાર્તાલાપ કર્યો છે. આ કાર્યક્રમ નું સુંદર સંચાલન સાધના ફાઉન્ડેશનના ભાઈશ્રી ગૌરવ ઠક્કર કરે છે. ગૌરવભાઈ ખુબ જ ઉત્સાહી અને ધીરજવાળા યુવાન છે. અહીં જોશ અને હોશ બંનેનું સમન્વય જોવા મળે છે. પરંતુ આ સુંદર કાર્યક્રમની એક વાત મને ખુબ જ પીડિત કરે છે તે છે શ્રોતાઓ અથવા તો ભાગ લેવા આવનારાની સંખ્યા કોઈ અપવાદને જવા દઈએ તો સંખ્યા ખુબ જ સીમિત હોય છે. આ કાર્યક્રમની ખૂબી કે વિશેષતા તો આ છે કે વકતાઓ પણ સાણંદના અને શ્રોતાઓ પણ સાણંદના આ કાર્યક્રમમાં વક્તવ્ય આપનારા મહાનુભાવો સારી એવી તૈયારી સાથે આવે છે. અંતે પ્રશ્નોતરીતો ખરી જ અને વિષયો પણ ખુબ જ પ્રાસાંગિક .
સાણંદ મુનિબાપુની તપોભૂમિ છે. આજ શહેર માંથી અનુ બહેન ઠક્કરે સમગ્ર ગુજરાતમાં ગુજરાતના મધર ટેરેસા તરીકે નામના મેળવી. સાણંદ દરબારગઢના હિન્દુસ્તાની અને શાસ્ત્રીય સંગીતના મર્મજ્ઞ આદરણીય જયવંતસિંહજી ( દાઢી બાપુ ) એ સાણંદ શહેરને સમગ્ર ભારતમાં ખ્યાતિ અપાવી શિક્ષણ ક્ષેત્રે ડૉ. શાંતિભાઈ પટેલ, સુશ્રી મણિબહેન પટેલ, ભગત સાહેબ, ભીખાભાઇ જાદવ, કવિ પરષોત્તમ સોલંકી જેવા દિગ્ગજોએ સાણંદને ગોરવાન્તિત કર્યા. ઘણા નામો વિશે લેખક અનભિજ્ઞ હોવાથી ક્ષમા યાચના. અહીં મહાન ગૌભક્ત જ્ઞાનચંદજી મહારાજને જો યાદ ના કરીએ તો સાણંદની ગાથા અધૂરી જ ગણાય. એના સિવાય વ્યાપારના ક્ષેત્રમાં બળદેવભાઈ ડોસાભાઈ પટેલ તથા રવુભા વાઘેલા જેવાના કારણે સાણંદ જેતે સમયમાં વિકાસ પથ પર અગ્રેસર થયું.
અનેકો નામી અનામી પુરુષાર્થી અને સમર્થ લોકોના કારણે આજે સાણંદ યશસ્વી અને ગરિમાયુક્ત દેખાય છે. આ અપ્રતિમ વારસાનું જતન આપણે સૌએ કરવાનું છે.
લેખની શરૂઆતમાં લેખકે જે. કૃષ્ણમૂર્તિનું ઉલ્લેખન કરેલો. અહીં પ્રસ્તુત છે જીવનના અગત્યના મુદ્દા પર એમના વૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિચારો.
એક જ દિવસમાં ચારેય ઋતુઓને જીવો
શું એ જરૂરી નથી કે રોજ નવું જીવન મળતું રહે, શું રોજ પુનર્જન્મ થાય તે જરૂરી નથી ? જો વર્તમાન ગઈકાલના બોજ હેઠળ દબાયેલો રહે તો આવું નવું જીવન મળી ન શકે. નવજીવન એ જન્મની અન્ય મૃત્યુ પામવાની ક્રિયા નથી. એ બંને અંતિમોની પેલે પારનું છે;કેવળ સ્મૃતિ નો સંગ્રહ કરવા માંથી મુક્તિ જ નવજીવન આપી શકે. અને આ સમજ વર્તમાન સિવાય બીજે કયાંયથી મળે નહીં.
જો મન સરખામણી કે નિર્ણય ન કરે તો જ તે વર્તમાનને સમજી શકે છે. વર્તમાનને સમજ્યા વગર બદલવાની કે તેની નિંદા કરવાની ઈચ્છા ભૂતકાળને સાતત્ય આપે છે. વર્તમાનના અરીસામાં તેને વિકૃત કર્યા વગર ભૂતકાળની ઘટનાઓને જોતા હો તેમ જુઓ તોજ નવજીવન મળે છે.
જો તમે કોઈ અનુભવને પુરે – પૂરો સંપૂર્ણ પણે અનુભવી લીધો હોય તો તમને એવું નથી લાગતું કે તે તેની પાછળ કોઈ નિશાની છોડતો નથી ? માત્ર અધૂરા અનુભવોજ પોતાની નિશાની છોડી જાય છે. જે પોતાનો પરિચય આવતી સ્મૃતિને સતત જાળવે છે. આપણે વર્તમાનને કોઈ હેતુ માટેનું સાધન માનીએ છીએ, તેથી વર્તમાન તેનું અનન્ય એવું મહત્વ ગુમાવે છે. વર્તમાન જ શાશ્વત છે. પરંતુ જે મન તેના છૂટા અંશોને જોડીને ઉદ્દભવ્યું છે, તે બધું એકત્રિત કરીને એક થયું છે. તે આવી રીતે એક ન થયેલી વસ્તુને કેવી રીતે સમજી શકે, એ વસ્તુનું મૂલ્યતો આંકી જ ન શકાય, એ શાશ્વતને તે કેવી રીતે સમજી શકે ?
દરેક અનુભવ જેવો ઉદ્દભવે તેવો જ તેને પુરે-પૂરો અને શક્ય હોય તેટલો ઉત્ક્ટ પણે માણીલો, તેને વિશે બધુ જ વિચારીલો, તેની પુરી અનુભૂતિ કરીલો. તેની ગહન અનુભૂતિ કરીલો, તેની પીડા અને તેના આનંદથી તમારા નિર્ણયોથી અને તેની ઓળખથી સભાન થઇ જાઓ. જયારે અનુભવ પરિપૂર્ણ થઇ જાય છે. ત્યારે નવજીવન મળે છે. આપણે એક દિવસમાં ચારેય ઋતુઓને માણી શકીએ તેવા સમર્થ હોવા જોઈએ. આપણે તેને અનુભવવા માટે સમજવા માટે એકદમ સાવધ હોવા જોઈએ અને દૈનિક સંગ્રહથી મુક્ત હોવા જોઈએ.
( છેલ્લો અંશ ” જીવનનું પુસ્તક ” માંથી સાભાર )

Social